બિહાર-આસામમાં પૂરપ્રકોપે દોઢસો જિંદગી ડૂબાડી

નવીદિલ્હી, તા.21 : દેશનાં કેટલાંક રાજ્યોમાં સતત વરસતા ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ હાલતને બદથી બદતર બનાવી નાખી છે. જેમાં બિહાર અને આસામની સ્થિતિ દયાજનક બની ગઈ છે. ફક્ત આ બે રાજ્યોમાં જ પૂર અને વરસાદી દુર્ઘટનાઓનો મૃત્યુઆંક વધીને 150ને પાર થઈ ગયો છે. પૂર્વોત્તરનાં અન્ય રાજ્યોમાં પણ હાલત કથળી છે અને ત્યાં પણ ખુવારી નોંધાઈ છે. 
બિહારનાં મધુબની અને દરભંગામાં પૂરનો સૌથી વધુ પ્રકોપ વર્તાયો છે. કમલા નદીનાં તટે આફત ત્રાટકી છે. મધુબનીમાં સંખ્યાબંધ ઘરોમાં 10 દિવસથી ચૂલા સળગ્યા નથી. 150 ઘરોનો એક નેસડો નષ્ટ થઈ ગયો છે. ગોપાલગંજનાં આશરે દોઢ ડઝન ગામોમાં પાણી બરબાદી બનીને ઘૂસી ગયા છે. બિહારનો કુલ મૃત્યુઆંક વધીને 97 થઈ ગયો છે.
તો બીજીબાજુ આસામમાં પણ જળપ્રકોપમાં 50 જીંદગીનો અંત આવી ગયો છે. પૂરનાં પાણી હવે ઓસરવા લાગ્યા છે પણ હજી ય રાજ્યમાં 27 જિલ્લાનાં પચાસેક લાખ લોકો પૂર પ્રભાવિત હોવાનું જાણવા મળે છે. 
પૂર પછી ફાટી નીકળેલા રોગચાળા પણ ઘાતક નીવડયા છે અને એક્ફલીટીસ તાવથી અત્યાર સુધીમાં 168 લોકોનાં મૃત્યુ નીપજ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ અટકી ગયા બાદ બ્રહ્મપુત્ર અને તેની પેટા નદીઓનું જળસ્તર ઘટયું છે. જો કે હજી પણ 755 રાહત છાવણીઓમાં દોઢ લાખ જેટલા લોકોએ આશરો લીધેલો છે. 
પશ્ચિમબંગાળનાં માલદામાં પણ પૂરથી જનજીવન ખોરવાઈ ગયું છે. ફુલહાર નદીનાં કારણે રતુઆનાં મહાનંદા ટોલા, બિલાઈ મારી, ન્યૂ બિલાઈ મારી સહિતનાં અન્ય ગામડાંઓનાં આશરે ત્રીસ હજાર પરિવારો પૂરની ચપેટમાં આવી ગયાં છે.
પંજાબ અને હરિયાણાનાં પણ ઘણાં હિસ્સામાં વરસાદ પડતાં તાપમાનમાં નોંધાપાત્ર ઘટાડો આવ્યો છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી આહલાદક ટાઢક અનુભવાઈ છે. જો કે પંજાબનાં સાત જિલ્લાનાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે અને હવામાન વિભાગે 24 જુલાઈ માટે યેલો ચેતવણી પણ જાહેર કરી છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં પણ અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer