રાજકોટની સોનીબજારમાંથી વધુ એક કારીગર ત્રણ કિલો સોનું લઈ ફરાર

છાસવારે કારીગરો નાસી છૂટતા હોવાથી વેપારીઓ હેરાન

રાજકોટ, તા. 21 : રાજકોટની સોનીબજારમાં વેપારીઓ પાસેથી કાચુ સોનું લઈને સોનાના દાગીના બનાવવા માટે 100 ગ્રામથી લઈ 5 કિલો સુધીનું સોનું લઈ ગયા બાદ પરપ્રાંતીય મજુરો સમયાંતરે સોનું લઈને વતનમાં નાસી છુટતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. જેની ભાગ્યે જ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે. તાજેતરમાં બે પરપ્રાંતીય કારીગરો સાડા ત્રણ કરોડનું સોનું લઈને ફરાર થઈ ગયાનો મામલો પોલીસમાં પહોંચ્યો છે. ત્યાં જ વધુ એક કારીગર 3 કિલો સોનું લઈને નાસી છુટયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે આ મામલે હજુ સુધી પોલીસમાં જાણ કરવામાં આવી નથી.
રાજકોટની સોની બજારમાં પં.બંગાળના શખસો સોનાના દાગીના બનાવવાનું કામકાજ કરે છે અને સસ્તામાં અને સારી રીતે દાગીના બનાવવાનું કામકાજ કરતા હોઇ વેપારીઓ દ્વારા પરપ્રાંતીય શખસોને સોનાના દાગીના બનાવવા માટે 100 ગ્રામથી લઈ 5 કિલો સુધી સોનું આપવામાં આવતું હોય છે અને પરપ્રાંતીય કારીગરો પણ રાત-દિવસ ઉજાગરા કરીને વેપારીઓને નિયત સમયગાળામાં દાગીના બનાવી આપીને વિશ્વાસ કેળવતા હોય છે. જેના કારણે વેપારીઓ દ્વારા સ્થાનિક કારીગરો કરતા પરપ્રાંતીય કારીગરો ઉપર ભરોસો વધુ રાખીને દાગીના બનાવવા માટે કાચુ સોનું આપી દેતા હોય છે.
સોનીબજાર આસપાસ તેમજ હાથીખાના સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા પરપ્રાંતીય કારીગરો દ્વારા વેપારીઓનો વિશ્વાસ કેળવ્યા બાદ સોનાના દાગીના બનાવવાની કળા બતાવ્યા બાદ સોનું લઈને નાસી છુટવાની પણ કળા બતાવવાનું શરૂ કરતા આવા કિસ્સાઓ પોલીસમાં પહોંચતા હોય છે. જોકે કાચુ સોનું દેવામાં આવ્યું હોઇ અને બીલ ન હોય વેપારીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. તાજેતરમાં જ બે પરપ્રાંતીય કારીગરો સાડા ત્રણ કરોડનું સોનું લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નાસી છુટેલા બંને કારીગરોને ઝડપી લેવા માટે કલકતા સુધી તપાસ લંબાવી હતી. ત્યાં જ બે દિવસ પહેલા વધુ એક પરપ્રાંતીય કારીગર 3 કિલો સોનું લઈ ગયાનો કિસ્સો પ્રકાશમાં આવતા સોનીબજારમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. જો કે સમયાંતરે પરપ્રાંતીય કારીગરો 50 ગ્રામથી લઈ 500 ગ્રામ સોનું લઈ જતા હોવાના કિસ્સા રોજીંદા બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer