આડબંધ બાંધીને ભોગાવો નદીને પુનર્જીવિત કરાઈ

127 મિલિયન ક્યુબિક ફૂટ વરસાદી પાણીના સંગ્રહથી 10 ગામની 11 હજાર એકર જમીનને સિંચાઇમાં લાભ મળશે

અમદાવાદ, તા.21 : સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં જો એક સરસ મજાનો આડબંધ બંધાઇ જાય અને ઉપરવાસમાં માત્ર ત્રણ ચાર ઇંચ જેટલો વરસાદ થાય તો સૂકી ભઠ્ઠ નદી જળસંચયના પરિણામે કેવી પુનર્જીવિત થઇ જાય તેનું સરસ મજાનું ઉદાહરણ ધોળકા તાલુકાનાં ભોળાદ સહિત અન્ય દસેક જેટલાં ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણ ભોગાવો નદી છે, જૂન મહિનાના છેલ્લાં અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદના પરિણામે અને ભોળાદ ખાતે સિંચાઇ વિભાગ દ્વારા 300 મીટર લંબાઇનો આડબંધ બંધાવાના કારણે આ સૂકીભઠ્ઠ ભોગાવો નદી જાણે કે પુનર્જીવિત થઇ છે. 
માત્ર ભોળાદ જ નહીં પરંતુ અન્ય ગામો પાસેથી વહેતી આ ભોગાવો નદી અંદાજે 20 કિલોમીટર જેટલા વિસ્તારમાં આજે પણ બે કાંઠે વહેતી જોવા મળે છે. આ નદી પર આડબંધ બંધાતા ભોળાદથી અંદાજે 4-5 કિલોમીટર દૂર આવેલા દરિયાની અવારનવાર આવતી ભરતીના કારણે સામાન્ય દિવસોમાં આ ગામડાઓની સીમમાં ભૂગર્ભ દરિયાઇ પાણીના કારણે જે ખારાશ પ્રસરી ગયેલી અને નદીના પાણી પણ ખારા થઇ જતાં એ સમસ્યા આગામી વર્ષોમાં ધીમે ધીમે ઉકેલાતી જશે, તેવું ગ્રામજનોનું કહેવું છે.
ભોળાદ પાસેના આડબંધના કારણે નદીના 20 કિલોમીટર વિસ્તારમાં 127 એમ.સી.એફ.ટી.(મીલીયન ક્યુબીક ફીટ) વરસાદી પાણીનો જળસંગ્રહ થયો છે, તેના કારણે ધોળકા તાલુકાના બુરહાનપુર, ભોળાદ, લોલિયા, ધનાળા, સમાણી, ઉટેલિયા, ગુંદી, સરગવાડા, ફેદરા અને પીપળી સહિતના અન્ય ગામોની સીમની અંદાજે 11 હજાર એકર જમીનને સિંચાઇનો પરોક્ષ લાભ મળશે. સમુદ્ર માંથી ભરતીના કારણે સર્જાતી ખારાશ અટકશે અને ખેતીની જમીન નવસાધ્ય બનશે.
ગ્રામજનોના કહેવા પ્રમાણે જ્યારે આ આડબંધ નહોતો ત્યારે વરસાદના દિવસોમાં નદી બે કાંઠે થતી પરંતુ થોડા જ સમયમાં આ બધું જ પાણી ભોળાદ પાસેના દરિયામાં વહી જતું હતું. નવરાત્રી, દિવાળી પછી માનો કે નદીમાં પાણી હોત પરંતુ દરિયાની ભરતીના કારણે દરિયાઇ પાણી આ વિસ્તાર સુધી આવવાના કારણે આ બધું જ પાણી ખારું થઇ જવાથી તેનો કોઇ રીતે ઉપયોગ ખેતિમાં થઇ શકતો ન હતો. આથી માત્ર વરસાદી ખેતી જ આ વિસ્તારમાં થતી હતી. પરંતુ હવે વરસાદના પાણીના સંગ્રહના કારણે અને બીજી તરફ આડબંધના કારણે ભરતીના ખારા પાણી નદીના પાણીમાં પ્રવેશતા અટકવાના કારણે વરસાદી પાણીનો ખાસ કરીને રવી મોસમમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થઇ શકશે.
ગ્રામજનોના કહેવા પ્રમાણે આ વિસ્તારના પ્રતિનિધિ અને રાજ્યના વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાના પ્રયાસો અને સિંચાઇ વિભાગની સતત જહેમત અને હકારાત્મક અભિગમને કારણે ભોળાદ પાસે ભોગાવો નદી પર આડબંધનું કામ શક્ય બન્યું છે. સામાન્ય સંજોગોમાં અહીં આડબંધ બાંધવો લગભગ મુશ્કેલ હતો. અંદાજે રૂા. 386 લાખના ખર્ચે ભોગાવો પાસે આડબંધ બંધાયો. પરંતુ માટીનો કાચો આડબંધ લોલિયા પાસે પણ બંધાવ્યો છે. આ કાચા આડબંધના કારણે લોલીયા પાસેની ઓમકાર નદી પણ બે કાંઠે વહેતી જોવા મળે છે. ભોળાદ પાસેના આડબંધનું ખાતમુહૂર્ત 7મી માર્ચ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમાના હસ્તે થયું હતું.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer