ગુજરાતના પ્રધાન ઇશ્વર પરમારને ધમકી આપતા પત્રો મોકલનારી મહિલાની ધરપકડ

ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 21 : ગુજરાત સરકારના ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રધાન ઈશ્વર પરમારને છેલ્લા કેટલાક વખતથી વારંવાર ધમકી મળતી હતી, પરંતુ ઇશ્વરભાઇએ આ ધમકીને અવગણી હતી, પરંતુ છેલ્લે 28 જૂન સુધી જાનથી મારી નાખવાની ધમકીના લેટરની અવગણના કરી હતી. પરંતુ બીજી જુલાઇએ એમની બારડોલી ખાતેની અૉફિસમાં બે કરોડની ખંડણી માગતો એક પત્ર આવ્યો હતો. આ પત્રમાં ખંડણી નહીં આપે તો જાનથી મારી નાખવા ઉપરાંત બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. બારડોલીસ્થિત આ પ્રધાનની અૉફિસમાં આવા પત્રો વારંવાર આવતા એમના અૉફિસ કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બારડોલી પોલીસે એક મહિલાની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ અંગે સામાજિક અને ન્યાય અધિકારિતા પ્રધાન ઇશ્વર પરમારે `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે, મારી બારડોલીની અૉફિસમાં મારા મતવિસ્તારના લોકોને ન્યાય મળે તે માટે 12 કલાકથી પણ વધુ સમય અૉફિસ ખુલ્લી રાખવામાં આવે છે. અહીં સ્થાનિક લોકો એમની સમસ્યા લઇને આવે છે તો કેટલાક લોકો એમની સમસ્યા મારી ગેરહાજરી હોય તો બંધ કવરમાં આપીને જાય છે. મારી પર આ રીતે જાનથી મારી નાખવાની ધમકીભર્યા કાગળ આવ્યા હતા, પરંતુ મેં એની અવગણના કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી વ્યસ્તતાને કારણે બારડોલી અૉફિસથી અગત્યના પત્રો ગાંધીનગર મગાવવાનું શરૂ કર્યું. બારડોલીસ્થિત અૉફિસના કર્મચારીઓ દ્વારા પત્રો વાંચીને મારા સુધી પહોંચાડવામાં આવતા હતા જેમાં છેલ્લા આવેલા એક પત્રમાં મારી પાસે બે કરોડની ખંડણી માગવામાં આવી હતી. જો બે કરોડની ખંડણી આપવામાં ન આવે તો બદનામ કરવાની ધમકી આપી હતી. જેને વાંચીને મારા કર્મચારીઓએ પોલીસ ફરિયાદ કરી હતી જેના સંદર્ભમાં પોલીસે પોતાની કાર્યવાહી કરી છે. આ અંગે સુરત ગ્રામ્યના ડીએસપી રૂપલ સોલંકીએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે, બારડોલીના શાસ્ત્રી રોડ પર રહેતી પ્રલીણા મહેસુરિયા નામની મહિલાને અમે સીસીટીવી ફૂટેજના આધારે  પકડી પાડી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એમના પતિ પહેલા કારની લે વેચનું કામ કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાર લે વેચમાં કોઇ સારો ધંધો નહીં થતાં તેમણે શાળામાં વૅન ચલાવવાનું કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી સતત માનસિક તાણ ભોગવતી આ મહિલાએ આવા ધમકીભર્યા પત્રો લખ્યા હોવાનું બહાર આવ્યું છે. આમ છતાં અમે આ મહિલાના સંપર્કો કોની સાથે છે અને તેના ફોન કોલ્સની ડિટેલ પણ મગાવી છે. જેના આધારે વધુ તપાસ હાથ ધરાશે.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer