જન્મભૂમિ જૂથનાં અખબારોના અહેવાલનો પડઘો

આરટીઈ હેઠળ બે બાળકોને મળ્યું ઍડ્મિશન 

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 21 : કાયમ પ્રજાની સમસ્યાને વાચા આપનાર જન્મભૂમિ જૂથનાં અખબારોએ થોડા સમય પહેલાં અમદાવાદના એક 15 વર્ષીય જીનેટિક ડિસેબલ્ડ વિદ્યાર્થીની પોતાનાં ભાઇ-બહેનના ભણતર માટેની લડાઇની કહાનીને વાચા આપી હતી. અલબત્ત, જીનેટિક ડિસઓર્ડરવાળા આ 15 વર્ષના બાળકને એક આઇએએસ અધિકારી ભણવામાં મદદ કરે છે. તેના પિતા પ્લમ્બર હોવાને કારણે એમનાં બીજાં બે બાળકોને સારી શાળામાં ઍડ્મિશન લઇ ભણાવી શકે તેવી હાલતમાં ન હોવાથી આ સંજોગેમાં 15 વર્ષનો યુવાન અમદાવાદથી ચાલતા ગાંધીનગર શિક્ષણપ્રધાન ચુડાસમા પાસે ગયો હતો અને સંસદસભ્ય પાસે પણ ગયો હતો. પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં કાયમ અગ્રેસર રહેતાં જન્મભૂમિ ગ્રુપનાં અખબારોમાં પ્લમ્બરના દીકરા વિવેક દાસની લડાઇ રજૂ થઇ અને સરકારી તંત્ર જાગ્યું જેના ભાગરૂપે વિવેક દાસના ભાઇ પ્રતીક દાસને રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઈ) હેઠળ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળી ગયો છે. જ્યારે એની બહેન માહી દાસને આવતા અઠવાડિયે કેન્દ્રીય વિદ્યાલયમાં રાઇટ ટુ એજ્યુકેશન ઍક્ટ હેઠળ પ્રવેશ આપવાની બાંયધરી મળી છે.
સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાસ ભલામણ કરીને આ ગરીબ પરિવારનાં બાળકોને કેન્દ્રીય વિદ્યાલયમાં જન્મભૂમિ ગ્રુપમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પ્રવેશ અપાવ્યો છે. આમ સદાય પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં જન્મભૂમિ જૂથનાં અખબારોના અહેવાલની વિશ્વસનીયતાનો પડઘો પડ્યો છે. 
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer