સોનભદ્ર હત્યાકાંડપ્રિયંકા બાદ હવે યોગી મળ્યા પીડિતોને

સોનભદ્ર હત્યાકાંડપ્રિયંકા બાદ હવે યોગી મળ્યા પીડિતોને
મૃતકોના પરિજનો માટે 18-18 લાખની સહાય જાહેર કરી: મુખ્ય પ્રધાનની મુલાકાતનો વિરોધ કરતાં સપાના સમર્થકોની અટકાયત

લખનઉ, તા.21 : ઉત્તરપ્રદેશનાં સોનભદ્ર જિલ્લામાં 10 લોકોનાં જઘન્ય હત્યાકાંડ ઉપર રાજકારણની આગ બરાબર ભડકી ઉઠી છે. પીડિતોનાં પરિવારોને મળવા જઈ રહેલા તૃણમૂલ કોંગ્રેસનાં પ્રતિનિધિમંડળને પણ અટકાવી દેવામાં આવ્યું હતું. તો બીજીબાજુ લાંબી મથામણ પછી કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી પીડિતો સાથે પીડામાં સહાનુભૂતિ આપી શક્યા હતાં. તો બીજીબાજુ સપાનાં વિરોધ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સોનભદ્ર પહોંચી ગયા હતાં અને પીડિતો સાથે મુલાકાત કરી હતી.
યોગીએ મૂર્તિયા ગામનાં ઉમ્ભામાં પીડિતો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી. આશરે એકાદ કલાક સુધી તેઓ પીડિતો સાથે રહ્યા હતાં અને સરકારી સહાયનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. તેમણે મૃતકોનાં પરિજનોને 18 - 18 લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તો માટે અઢી લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી. 
દુખિયારા પરિવારો સાથે મુલાકાત બાદ યોગી આદિત્યાનાથે પણ આ ઘટનામાં પોલીસની બેદરકારીની કબૂલાત આપી હતી. આ સાથે જ તેમણે કોઈપણ અપરાધીને બક્ષવામાં નહીં આવે તેવી ગર્જના પણ કરી હતી.
મુખ્યમંત્રીના આ પ્રવાસનો વિરોધ કરી રહેલા સપાનાં કાર્યકરોને મોટી સંખ્યામાં પોલીસે અટકાયતમાં લીધા હતાં. જેને પગલે સપાનાં કાર્યકરોએ પોલીસ સ્ટેશનની પણ ઘેરાબંધી કરી લીધી હતી. તો બીજીબાજુ ઈજાગ્રસ્તોનાં હાલ પૂછવા માટે વારાણસી પહોંચેલા પ્રિયંકા ગાંધીએ યુપી સરકાર ઉપર આક્ષેપોની ઝડી વરસાવી દીધી હતી. તેમણે પીડિતો સાથે મુલાકાત કરતાં રોકવાનો આરોપ સરકાર અને પ્રશાસન ઉપર લગાવ્યો હતો.  

Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer