પૂછ્યા વગર મૂછ કાપનારા વાળંદ સામે પોલીસ ફરિયાદ કરનારા

પૂછ્યા વગર મૂછ કાપનારા વાળંદ સામે પોલીસ ફરિયાદ કરનારા
ગ્રાહકનો નાભિક સંઘટનાએ કર્યો બહિષ્કાર

નાગપુર, તા. 21 : પૂછ્યા વગર જ મૂછ કાપી નાખનારા વાળંદ વિરુદ્ધ ગ્રાહકે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાની ચોંકાવનારી ઘટના તાજેતરમાં નાગપુરમાં બની હતી. કિરણ ઠાકુરે આ ફરિયાદ નોંધાવ્યા બાદ વાળંદના સંગઠને આ ગ્રાહકના વાળ અને દાઢી ન કાપવાનો તેમ જ તેની સામે આંદોલન કરવાનો સંકેત આપતાં ઠાકુરને હવે દાઢી કે વાળ કપાવવા માટે અહીંથી ત્યાં ભટકવાનો વારો આવશે. ગ્રામીણ નાભિક સંઘટના તરફથી જણાવાયું હતું કે ઠાકુરે અગાઉ પણ પોતાની મૂછ કપાવેલી છે, પરંતુ માત્ર સસ્તી પ્રસિદ્ધિના હેતુથી તેણે આ વખતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
ગયા મંગળવારની આ ઘટના પ્રમાણે બપોર બાદ ત્રણ વાગ્યે કન્હાનના ફ્રેન્ડ્ઝ મૅન્સ પાર્લરમાં ઠાકુર વાળ કપાવવા ગયો હતો. વાળ કપાઇ ગયા બાદ પાર્લરના સંચાલક સુનીલ લક્ષણેએ તેની દાઢી કરવા સાથે મૂછો પણ કાપી નાખી હતી. ઠાકુર ઘરે ગયા બાદ રાત્રે સાડા નવેક વાગ્યે તેણે લક્ષણેને ફોન કરીને પૂછ્યા વગર મારી મૂછ કેમ ઉડાવી દીધી એવો સવાલ કર્યો હતો. આ પ્રશ્ને બંને વચ્ચે વિવાદ થયા બાદ ઠાકુરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer