ઝુંડબલિ પીડિત પરિવારોની વેદનાથી દિલ દ્રવી ઊઠે છે

ઝુંડબલિ પીડિત પરિવારોની વેદનાથી દિલ દ્રવી ઊઠે છે
મન સુન્ન થઈ જાય છે : નસરુદ્દીન શાહ

ડેમોક્રેટિક યુથ ફેડરેશન દ્વારા `મોબ લિંચિંગ અને દ્વેષનું રાજકારણ' વિષયે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

મુંબઈ, તા. 21 :  મૉબ લિંચિંગ પીડિત પરિવારોની વેદના સાંભળતાં જ દિલ દ્રવી ઊઠે છે અને મન સુન્ન થઇ જાય છે, એમ પીઢ અભિનેતા નસરુદ્દીન શાહે આજે જણાવ્યું હતું. ડેમોક્રેટિક યુથ ફેડરેશન દ્વારા `દેશમાં વધતી જતી મોબ લિંચિંગની ઘટનાઓ અને દ્વેષનું રાજકારણ' એ વિષયે આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદમાં બોલતાં શાહે કહ્યું હતું કે હકીકતમાં આજે હું કોઇ ભાષણ આપવા નથી આવ્યો, પરંતુ મોબ લિંચિંગ (ઝુંડબલી) પીડિત પરિવારોની વેદના કહેવા માટે આવ્યો છું. આ કાર્યક્રમમાં ઝુંડબલી અને દ્વેષના રાજકારણથી પીડિત કેટલાક પરિવારો પણ હાજર હતા. આ કાર્યક્રમમાં મોબ લિંચિંગનો ભોગ બનેલા નીતિન આગેના પિતા રાજુ આગે, પોલીસ નિરીક્ષક સુબોધકુમાર સિંહના કુટુંબી રજની સિંહ, અભિષેક પ્રતાપ સિંહ, શેરી પ્રતાપ સિંહ, જુનૈદ ખાનના પરિવારના શાહનવાઝ શેખ, આયુબ મેવતાના પરિવારમાંથી આરિફ મેવતા, અમિત વાયતાંડેના પિતા વિલાસ વાયતાંડે તેમ જ લૈંગિક શોષણ અને જાતીયતાનો ભોગ બનેલી સત્યભામા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પીડિત પરિવારોએ મોબ લિંચિંગ બાદ પરિવારની કેવી દશા થાય છે એ વિશે જણાવ્યું હતું. 
આ પરિવારોની વાત સાંભળ્યા બાદ મંચ પર ગયેલા શાહે કહ્યું હતું કે આ પરિવારો પર જે વીતી છે તેની આપણને કલ્પના પણ ન આવી શકે. તેમના ધૈર્યને વંદન કરવા જોઇએ. અગાઉ મેં આ મુદ્દે કહ્યું ત્યારે મારી ચોમેરથી ટીકા થઇ હતી, મને અપમાનિત કરવામાં આવ્યો હતો, પરંતુ મારી પરેશાની આ પીડિત પરિવારોની સામે એક ટકા જેટલી પણ નથી. આ કાર્યક્રમમાં શાહ ઉપરાંત પૂર્વ ન્યાયાધીશ ગોપાલ ગૌડા, સુભાષિની અલી, ડૉ. રામ પુનિયાની, ઍડ. મુક્તા દાભોળકર, તિસ્તા સેતલવાડ, શ્વેતા ભટ્ટ, મરિયમ ઢવળે, પ્રતિમા જોશી અને કલિમ સિદ્દીકી સહિતના જાણીતા ચહેરાઓ પણ હાજર રહ્યાં હતાં.  
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer