આજે કર્ણાટકમાં ખરાખરીનો ખેલ

આજે કર્ણાટકમાં ખરાખરીનો ખેલ
શુક્રવારે અટવાયેલા વિશ્વાસમત પ્રસ્તાવ ઉપર આજે મતદાનની સંભાવના
બેંગ્લુરુ, તા.21: કર્ણાટકની રાજકીય આપદાનાં નાટક ઉપર આવતીકાલ સોમવારે પડદો પડવાની સંભાવના છે. કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર આવતીકાલે વિધાનસભામાં બહુમત પરીક્ષણની આકરી કસોટીમાંથી પસાર થવાની છે. બીજીબાજુ સુપ્રીમ કોર્ટ પણ રાજીનામું આપી દેનાર બાગી વિધાયકોને પક્ષ વ્હિપ જારી કરીને વિધાનગૃહમાં હાજરી આપવા ફરજ પાડી શકે કે નહીં તેની સ્પષ્ટતા આપે તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી કુમારસ્વામીએ ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત પેશ કર્યો હતો અને તેના ઉપર શુક્રવારે પણ મતદાન થઈ શક્યું નહોતું. કોંગ્રેસ - જેડીએસ અને ભાજપના વિધાયકોએ વિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન ભારે હોબાળા મચાવ્યા હતા અને અંધાધૂંધ આક્ષેપબાજીઓ પણ ચાલી હતી. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહીને સોમવાર સુધી મુલત્વી રાખી દીધી હતી.
આવતીકાલે કયામતનો દિવસ આવે તેવી શક્યતા છે ત્યારે કોંગ્રેસે આજે સાંજે વિધાયકોની એક બેઠક પણ યોજી હતી અને તેમાં સોમવારના વિશ્વાસમત માટેની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. બીજીબાજુ ભાજપને કુમારસ્વામીની સરકારને વિશ્વાસમતમાં પછડાટ મળવાનો પૂરો વિશ્વાસ છે.
દરમિયાન,  કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર માટે સંકટ સતત વધી રહ્યું છે. આવતીકાલે સોમવારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી વિશ્વાસમત રજૂ કરવાના છે પરંતુ ગઠબંધન સરકારની સહયોગી પાર્ટી બસપાના વિધાયકે ફ્લોર ટેસ્ટમાં સામેલ થવાનો ઈનકાર કર્યો છે. બસપા વિધાયક એન.મહેશે કહ્યું હતું કે, પક્ષના હાઇકમાન્ડે વિશ્વાસમત પ્રક્રિયાથી દૂર રહેવા કહ્યું હોવાથી તેઓ સદનમાં હાજર રહી શકશે નહીં.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer