ઇમરાનના ભાષણમાં બલૂચિસ્તાનની આઝાદીના નારા

વોશિન્ગ્ટન, તા. 22 : પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અત્યારે અમેરિકાના પ્રવાસે છે. સોમવારે તેમની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થવાની છે. આ પહેલા રવિવારે ઇમરાને પાકિસ્તાની અમેરિકન્સને એક ઇન્ડોર સ્ટેડિયમમાં સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં બલોચ કાર્યકર્તાઓએ બલૂચિસ્તાનની આઝાદીના નારા લગાવ્યા હતા. સુરક્ષાદળોએ તેમને બહાર મોકલી દીધા હતા ત્યાં ભાષણમાં ઇમરાને કહ્યું કે જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને કોઇ પણ પ્રકારની સુવિધા નહીં આપવામાં આવે. તેમને એક અપરાધી તરીકે ત્યાં રહેવું પડશે. 
અમેરિકામાં ઘણા બલોચ કાર્યકર્તા રહે છે. તેઓ પાકિસ્તાની આર્મી દ્વારા તેમના પર થયેલાં અત્યાચારનો મુદ્દો ઉઠાવતા રહે છે.
છેલ્લા બે દિવસોથી બલોચ કાર્યકર્તાઓ બેનર લઇને ટ્રમ્પથી અપીલ કરી રહ્યા છે કે ઇમરાન સાથેની મુલાકાતમાં બલૂચિસ્તાનમાંથી ગાયબ થઇ રહેલા લોકોનો મુદ્દો ઉઠાવે.

Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer