ધોનીનો નિવૃત્ત થવાનો હાલ કોઈ ઈરાદો નથી

ધોનીનો નિવૃત્ત થવાનો હાલ કોઈ ઈરાદો નથી
માહીને ટ્રાનિંગ માટે આર્મી ચીફની મંજૂરી
નવી દિલ્હી, તા. 22 : ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રાસિંહ ધોનીને ઇન્ડિયન આર્મીની સાથે ટ્રાનિંગની મંજૂરી મળી ગઈ છે. આર્મી સૂત્રોના મતે એમએસ ધોનીને ઇન્ડિયન આર્મી સાથે ટ્રાનિંગની મંજૂરી મળી ગઈ છે. આર્મી ચીફ બિપીન રાવતે ધોનીને ટ્રાનિંગની મંજૂરી આપી છે. ધોની આગામી કેટલાક દિવસો સુધી સેનાની પેરાશૂટ રેજિમેન્ટ બટાલિયન સાથે ટ્રાનિંગ કરશે.
એવું માનવામાં આવે છે કે ધોનીની ટ્રાનિંગ જમ્મુ-કાશ્મીરમાં પણ થશે. જોકે, આર્મીએ ધોનીને એક્ટિવ ઓપરેશનમાં ભાગ લેવાની મંજૂરી આપી નથી.
દરમિયાન, મહેન્દ્રસિંહ ધોની (38) 2019ની વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધ તેની છેલ્લી 350મી વન-ડે મેચ રમ્યો હોવા છતાં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું હાલ વિચારી  રહ્યો નથી.
ભારતની વર્લ્ડ કપ ઝુંબેશનો સેમિફાઈનલમાં અંત આવી ગયા બાદ એવું જાણમાં આવ્યું હતું કે ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ધોની સાથે `ચર્ચા' હાથ ધરી હતી. જો કે, કદાચ આવતા વર્ષે યોજાનારી વર્લ્ડ ટી-20 સ્પર્ધાને ધ્યાનમાં રાખી ધોનીએ હાલ રિટાયર થવાની શક્યતાને નકારી કાઢી છે. બીજી તરફ સિલેકટરો હવે યુવા ખેલાડીઓને તક આપવા વિચારી રહ્યા છે.
ધોનીએ પ્રસાદને કહ્યું હતું કે તે હાલ નિવૃત્ત થવાનો નથી તેમ છતાં તેને લેવામાં નહીં આવે એવું જણાવાયું છે. અમે યુવા ખેલાડીઓને આગળ ધપાવવાના છીએ તેથી અમારું માનવું છે કે હવે નિવૃત્ત આજે થવું કે કાલે તેનો નિર્ણય ધોનીએ પોતે જ લેવાનો છે.
ધોનીએ હાલ રમતમાંથી બે મહિનાનો બ્રેક લીધો હોવાથી તે વેસ્ટ ઇન્ડિઝની ટૂરમાં સામેલ થવાનો નથી. જોકે, પ્રસાદે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પીઢ વિકેટકીપરે પોતાના ભાવિ અંગે પોતે જ નિર્ણય લેવો જરૂરી છે.
બીજી તરફ એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ધોનીને સિલેક્ટરો આપોઆપ પસંદ કરવાના નથી કેમ કે તેઓ યુવા અને પ્રતિભાશાળી ઋષભ પંતમાં `રોકાણ' કરવા માગે છે. 

Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer