પ્રીમિયમ રેટમાં પાલિકા ઘટાડો કરશે

પ્રીમિયમ રેટમાં પાલિકા ઘટાડો કરશે
મુંબઈ, તા. 22 : બીલ્ડરોના અનેક સંગઠનો ચીફ સેક્રેટરી અજોય મહેતાની હાલની મુલાકાત પછી પાલિકા કમર્શિયલ બિલ્ડિંગોના પ્રીમિયમ રેટમાં ઘટાડો કરી તેને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ સમાન કરાશે.
પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે `હાલ મોટા ભાગના બીલ્ડરો રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ નિર્માણ કરવા પ્રયત્નશીલ છે. અમારી પાસે એવા કેસ આવ્યા છે જેમાં કમર્શિયલ પ્રોપર્ટીઝ તોડી પાડી તેમને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં ફેરવવામાં આવી રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે કમર્શિયલ પ્રોપર્ટીઝ વધુ બાંધવામાં આવે જેથી ખાસ કરી આઈટી સેક્ટરમાં વધુ રોજગાર ઊભા કરી શકાય. તેથી કમર્શિયલ પ્રોપર્ટીઝ માટે બીલ્ડરોને ચાર્જ કરાતા પ્રીમિયમ રેટ ઘટાડવાની અમારી યોજના છે અને તેમાં ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસના ભાગરૂપે અમે બીલ્ડરોના હપ્તાની સંખ્યા સુધ્ધાં વધારીશું.'
અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે પ્રીમિયમની ચુકવણીમાં વિલંબ માટે વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે. પાલિકા ટૂંક સમયમાં જ આ ઘટાડા માટે રાજ્ય સરકારને ભલામણ - પત્ર લખશે.
અગાઉ પાલિકાએ તેના મહેસૂલમાં ઘટાડા માટેના પગલાંનો વિરોધ દર્શાવ્યો હતો, કારણ કે તેની આવકના મુખ્ય ત્રોત એવા અૉક્ટ્રોયની નાબૂદી કરવામાં આવી છે.
વધુમાં આ વર્ષે પ્રોપર્ટી ટૅક્સમાંથી થનારી આવક પણ ઘટી ગઈ છે, કારણ 500 ચો. ફૂટ કરતાં ઓછા ભરતવાળા ઘરોને કર ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે તેવી જ રીતે શિવસેનાએ તેના ચૂંટણી વચનમાં પ્રોપર્ટી ટૅક્સ ઘટાડવાનો વાયદો કર્યો હતો.
પાલિકાએ કોસ્ટલ રોડ માટેનો ખર્ચ સુધ્ધાં વહન કર્યો છે અને ડીપી-2034નો અમલ કર્યો છે.
કમિશનરે રિયલ એસ્ટેટ ઉદ્યોગના અન્ય મુદ્દા પર ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી, જેમાં અનેક બીલ્ડર સંગઠનોના પ્રમુખોએ હાજરી આપી હતી. ઉદ્યોગે સરકારને બે પાના ભરેલી માગણીની યાદી સરકારને સુપરત કરી હતી.

Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer