પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ અને ડૉ. સુધીર શાહ સહિત 40થી વધુ વિશ્વવિખ્યાત તબીબો ભાજપમાં જોડાયા

પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ અને ડૉ. સુધીર શાહ  સહિત 40થી વધુ વિશ્વવિખ્યાત તબીબો ભાજપમાં જોડાયા
ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્ય કલાકારો તથા લોકગાયક-ગાયિકાઓએ પણ ભગવો ખેસ ધારણ કર્યો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.13 : આજરોજ પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. નાગપાલ સહિત 40થી વધુ વિશ્વવિખ્યાત તબીબો ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. આ ઉપરાંત ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્ય કલાકારો તથા લોકગાયક-ગાયિકાઓ પણ ભાજપામાં જોડાયાં હતાં. 
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ એવા લોકસાહિત્યકાર ઘનશ્યામભાઇ લાખાણી, લોકગાયિકા ઉર્વશીબેન રાદડિયા, કિરણબેન ગજેરા, દેવાંગીબેન પટેલ, હાસ્ય કલાકારો હિતેષભાઇ અટાણા તથા સંજયભાઇ સોજીત્રા ઉપરાંત સ્કાય વિઝન ઇવેન્ટસ (યુએસએ)ના અલ્પેશભાઇ પટેલને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત ભાજપમાં આવકાર્યા હતા.
જીતુભાઇ વાઘાણીએ સૌને આવકારતાં જણાવ્યું હતું કે, ભાજપ સંગઠન પર્વ-સદ્સ્યતા વૃદ્ધિ અભિયાન ગુજરાત સહિત દેશભરમાં વેગવંતી રીતે ચાલી રહ્યુ ંછે. ભાજપની રાષ્ટ્ર પ્રથમની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિને સ્વીકારીને પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. નાગપાલ સહિત 40થી વધુ નિષ્ણાત તબીબો તેમ જ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્ય કલાકારો તથા લોકગાયક-ગાયિકાઓ પણ ભાજપમાં જોડાયાં છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી સાથે સૌનું ભાજપામાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. 
વાઘાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાતના બે પનોતા પુત્રો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નેતૃત્વમાં આજે દેશ વૈશ્વિક સ્તરે ઊંચાઇ હાંસલ કરી રહ્યો છે અને તેમના નેતૃત્વથી પ્રેરણા લઇને દેશના કરોડો નાગરિક ભાજપની વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે ત્યારે દર્દી માટે ભગવાન સ્વરૂપ એવા દેશ-વિદેશમાં વિખ્યાત તબીબો કે જેઓએ પોતાની જાત દર્દી નારાયણની સેવા માટે સમર્પિત કરી દીધી છે. સમાજમાં મુઠ્ઠી ઉચેરું સ્થાન ધરાવતા નામાંકિત તબીબો આજે ભાજપ પરિવારનો હિસ્સો બની રહ્યા છે ત્યારે અમો સૌ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ.
આ અવસરે પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના સંઘર્ષ સમયે ગુજરાતની ધરતીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની જોડીએ સમગ્ર દેશને નેતૃત્વ પૂરું પાડયું હતું અને દેશને આઝાદી અપાવી હતી અને આજે ગુજરાતના પનોતા પુત્રો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દેશને નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે.  જમ્મુ-કાશ્મીરમાં 70 વર્ષ જૂના પ્રશ્નનું નિરાકરણ સચોટ રાજકીય સૂઝબૂઝથી અતિસરળતાથી ગુજરાતની મોદી-શાહની જોડી લાવી છે. ગુજરાતની ધરતીમાં આજે પણ સત્વ અને જોમ છે. ગુજરાતની ધરતીના પુત્ર હોવાનો મને અનહદ આનંદ છે. આ ઉપરાંત પદ્મશ્રી ડૉ. સુધીર શાહે જણાવ્યું હતું કે, દેશની સંસ્કૃતિ, શાલિનતા, સાર્વભૌમત્વ, સહિષ્ણુતાના રક્ષણની વિચારધારા સાથે કાર્ય કરતા ભાજપનો ખેસ પહેરી હું અત્યંત ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું.  ડૉ. શાહે ઉપસ્થિતિ સૌ નિષ્ણાત તબીબોને તન-મન-ધનથી દેશના કલ્યાણ માટે યોગદાન આપવા અપીલ કરી હતી.
 

Published on: Wed, 14 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer