વીરતા પુરસ્કારોની ઘોષણા : અભિનંદનને વીર ચક્ર

વીરતા પુરસ્કારોની ઘોષણા : અભિનંદનને વીર ચક્ર
આઠ જવાનોને શૌર્ય ચક્ર એનાયત : બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સામેલ પાઈલટને વાયુસેના મેડલ
નવી દિલ્હી, તા. 14 (પીટીઆઈ): ભારતના 73મા સ્વતંત્રતા દિવસના શુભ અવસરે વીરતા પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે. એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીરચક્રથી સન્માનિત કરવાનું એલાન કરવામાં આવ્યું છે. તેમજ વાયુસેનાના  સ્કવોડ્રન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ એનાયત કરવામાં આવશે. મિન્ટીએ બાલાકોટમાં એરસ્ટ્રાઈક બાદ 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન વાયુસેના સાથે સંઘર્ષમાં ફાઈટર કન્ટ્રોલરની ભૂમિકા ભજવી હતી.  આ ઉપરાંત આઠ જવાનોને શૌર્ય ચક્રથી સન્માનિત કરવાની પણ ઘોષણા થઈ છે. જેમાં પાંચને મરણોપરાંત સન્માન એનાયત કરવામાં આવશે. 
બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સામેલ પાંચ પાયલોટને વીરતા પુરસ્કાર
વાયુસેનાના વિંગ કમાન્ડર અમિત રંજન, સ્કવોડ્રન લીડર્સ રાહુલ બોસાયા, પંકજ ભુજડે, બીકેએન રેડ્ડી અને શશાંક સ્ંિાહને બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની છાવણસ ઉપર હુમલા માટે વાયુસેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તમામ મિરાજ-2000ના પાયલોટ છે. આ તમામ પાંચ પાયલોટે સટીકતાથી પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના કેમ્પ ઉપર હુમલો કર્યો હતો અને તેને ધ્વસ્ત કર્યા હતા. આ તમામ બહાદુર પાયલોટ દુશ્મનને નુકશાન પહોંચાડીને સુરક્ષિત રીતે ભારતીય સરહદમાં પરત ફર્યા હતા.   
મહિલા સ્ક્વોડ્રન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ
સ્ક્વોડ્રન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધસેવા મેડલ એનાયત થયો છે. મિન્ટીને આ પુરસ્કાર બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સંઘર્ષ દરમિયાન આપેલા યોગદાન માટે મળ્યો છે. યુદ્ધમાં સરહદે લડતા વીર જવાનો સાથે નેપથ્યમાં પણ અમુક ગુમનામ ચહેરાઓનું યોગદાન હોય છે. સ્ક્વોડ્રન લીડર મિન્ટી અગ્રવાલે નેપથ્યમાં રહીને વિકટ સ્થિતિમાં ભૂમિકા ભજવીને વિંગ કમાન્ડર અભિનંદનનો સાથ આપ્યો હતો. પાકિસ્તાનના હુમલાને
વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. જેમાં મિન્ટી અગ્રવાલનું પણ યુદ્ધ વિમાનના પાયલોટ જેટલું જ યોગદાન હતું.
 

Published on: Thu, 15 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer