ટીવી શોનો હોસ્ટ મનીષ પોલ જોવા મળશે ગંભીર ભૂમિકામાં

ટીવી શોનો હોસ્ટ મનીષ પોલ જોવા મળશે ગંભીર ભૂમિકામાં
મનીષ પોલનું નામ ટીવી શોના સંચાલક તરીકે જાણીતું છે. તેની કોમેડી દર્શકોને પેટ પકડીને હસાવે છે. જોકે, જયારે મોકો મળે ત્યારે મનીષ પડકારરૂપ કામ સ્વીકારીને પોતાની કાબેલિયત પુરવાર કરવાની તક જતી કરતો નથી. શોર્ટ ફિલ્મ બ્લેક બ્રિફકેસ અને બંજરમાં તેણે ગંભીર પાત્રો ભજવ્યાં છે. આ વિશે વાત કરતાં મનીષે કહ્યું હતું કે. મેં જે શોર્ટ ફિલ્મ કરી છે તે મારા ટીવી પરના વ્યક્તિત્વથી તદન અલગ છે. મેં મોટે ભાગે કોમેડી કરી છે એટલે લોકો એમ સમજે છે કે હું ગંભીર ભૂમિકાઓ નહીં ભજવી શકું. પરંતુ મને પડકારરૂપ પાત્રો ભજવવાં ગમે છે. વળી મારી બંને શોર્ટ ફિલ્મને મળેલા પ્રતિસાદથી મને આનંદ છે. અમિતાભ બચ્ચને બ્લેક બ્રિફકેસ જોઇને ટ્વીટર પર મારી પ્રશંસા કરી હતી. આનાથી વધારે શું જોઇએ.
 હાલમાં મનીષ અભિનય વધારે કરી રહ્યો છે. તો શું સંચાલનનું કામ બંધ કર્યું છે? એ સવાલના જવાબમાં મનીષે કહ્યું હતું કે, મને સ્ટેજ પરથી લોકોને હસાવવા ગમે છે પરંતુ હવે મારે કલાકાર તરીકેની મારી સીમાઓ વિસ્તારવી છે. આમ છતાં એક ગાયકીના રિયાલિટી શોનું સંચાલન કરીશ. 
મનીષની આગામી ફિલ્મ વિજય નગર છે. આ ફિલ્મની ભૂમિકા બાબતે તે ચૂપકીદી સેવી રહ્યો છે. તેણે માત્ર એટલું જ કહ્યું કે, આ ફિલ્મના પાત્રને કોમેડી સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી. આ અત્યંત ગંભીર ભૂમિકા છે. આ પ્રકારની ભૂમિકા મને મળી તે જ મારું સદનસીબ છે.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer