પ્રોત્સાહન પૅકેજની અનિશ્ચિતતાથી સુધારો મર્યાદિત

પ્રોત્સાહન પૅકેજની અનિશ્ચિતતાથી સુધારો મર્યાદિત
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : એશિયા અને યુરોપનાં બજારોમાં ધીમા સુધારા સાથે સ્થાનિક શૅરબજારમાં એનએસઈ નિફ્ટી 18 પૉઇન્ટ વધીને 11047.80 બંધ રહ્યો હતો. ચીન-અમેરિકાની ટ્રેડ વાટાઘાટ અંગે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સકારાત્મક વલણ જાહેર કરવાથી શૅરોમાં ધોવાણ અટકયું હતું. જોકે, વિશ્લેષકો હજુ અનિશ્ચિતતા જોતા હોવાથી શૅરોમાં સાવધાની ભર્યું વલણ જણાય છે જ્યારે સ્થાનિકમાં કેન્દ્ર સરકારના પ્રોત્સાહન પૅકેજની રાહ જોવાઈ રહી છે. તેથી સત્રના છેલ્લા તબક્કામાં બેતરફી વધઘટ પછી બીએસઈ સેન્સેક્ષ 39 પૉઇન્ટ સુધારે 37350 બંધ રહ્યો હતો. એનએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ મામૂલી સુધર્યા હતા. નિફ્ટીના મુખ્ય શૅરમાંથી 28નો ભાવ વધવા સામે 22 શૅર ઘટાડે બંધ રહ્યા હતા. ક્ષેત્રવાર સુધારામાં વાહન ઇન્ડેક્સ 1 ટકા, જાહેર બૅન્કેક્સ 1.5 ટકા અને ખાનગી બૅન્કેક્સ 1 ટકા વધ્યા હતા. અન્ય સૂચકાંકમાં ઓછાવત્તી વધઘટ હતી. નિફ્ટીમાં ઇન્ટ્રાડે 10924નું તળિયું જોવાયું હતું. ફાર્મા ઇન્ડેક્સ ઘટાડે હતો.
આજના પ્રમાણમાં સ્થિર ટ્રેડ વચ્ચે નોંધપાત્ર સુધારો દર્શાવતા મારુતિ સુઝુકી રૂા. 159, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 38, એક્સિસ બૅન્ક રૂા. 12, હીરો મોટોકોર્પ રૂા. 34, ગ્રાસીમ રૂા. 24 અને એશિયન પેઇન્ટમાં રૂા. 28 સુધારો મુખ્ય ગણાય. આજે અગ્રભાગે ઘટનારા શૅરમાં એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 13, એચડીએફસી રૂા. 18, ટીસીએસ રૂા. 42, આરઆઈએલ રૂા. 10, વેદાન્તા રૂા. 3, ડૉ. રેડ્ડીસમાં રૂા. 19નો ઘટાડો નોંધાયો હતો. વ્યક્તિગત શૅરોમાં કંપનીના વેચાણ ઘટવાના સંકેતથી આરતી ઇન્ડસ્ટ્રીઝનો ભાવ 8 ટકા ઘટયો હતો જ્યારે એપોલો હૉસ્પિટલમાં 7 ટકાનો સંગીન સુધારો જોવાયો હતો.
એશિયાનાં બજાર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ટ્રેડ વૉર અંગે સકારાત્મક સંકેત આપવા છતાં શૅરબજારમાં સાવધાની હતી. માત્ર હૉંગકૉંગ ખાતે હેંગસેંગ નોંધપાત્ર 239 પૉઇન્ટ વધ્યો હતો. ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 8 પૉઇન્ટ અને જપાન ખાતે નિક્કી 13 પૉઇન્ટ વધ્યા હતા જ્યારે યુરોપ ખાતે સ્ટોકસ 600 ઇન્ડેક્સ 0.7 ટકા સુધારે હતો. દક્ષિણ કોરિયા ખાતે કોસ્પી 11 પૉઇન્ટ ઘટયો હતો. એમએસસીઆઈ વિશ્વ ઇન્ડેક્સ 0.2 ટકા સુધારે હતો.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer