રિલાયન્સ-માઈક્રોસોફ્ટ સ્પર્ધામાં એમેઝોન અને ગૂગલને પડકારશે

રિલાયન્સ-માઈક્રોસોફ્ટ સ્પર્ધામાં એમેઝોન અને ગૂગલને પડકારશે
ક્લાઉડ ટેક્નૉલૉજી ક્ષેત્રે ભાવ યુદ્ધ શરૂ થશે

નાના ઉદ્યોગ સાહસિકોને માસિક $ 1500ની ફી લઈને વિવિધ ટેક્નૉલૉજી ટુલ્સ મળશે

મુંબઈ, તા. 16 : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના જિઓ ટેલિકોમ યુનિટની અૉફરિંગ્સ વધારવા માટે માઈક્રોસોફ્ટના અઝુરે ક્લાઉડ પ્લેટફોર્મની સાથે સહયોગ કરતાં દેશમાં ક્લાઉડ સર્વિસ આપતાં પ્રતિસ્પર્ધી એમેઝોન.કોમ અને આલ્ફાબેટના ગૂગલ સામે પડકાર સર્જાયો છે.  
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સભાને સંબોધતાં કહ્યું કે `10 વર્ષના સહયોગમાં જિઓ દેશમાં ડેટા સેન્ટર બાંધશે જે માઈક્રોસોફ્ટના અઝુરે ક્લાઉડ પ્લેટફોર્મ દ્વારા હોસ્ટ કરાશે.'  
અંબાણીએ કહ્યું કે `આપણી પાસે ભારતીય મૂળના સોલ્યુશન્સ ડેવલપ કરવાની ક્ષમતા છે, જે ભારતની મુખ્ય તમામ ભાષા અને ઉચ્ચારોને ઓળખી શકશે અને બોલી ઓળખવાની તેનામાં સમજણ હશે.  એનાલિસ્ટ્સનું કહેવું છે કે રિલાયન્સના ક્લાઉડ ક્ષેત્રે પ્રવેશથી આ ક્ષેત્રે વર્ચસ્વ ધરાવતાં એમેઝોન વેબ સર્વિસીસ (એડબ્લ્યુએસ) અને ગુગલ સામે સ્પર્ધા થશે. 
ટેક કન્સલ્ટન્સી કાઉન્ટરપોઈન્ટમાં એનલિસ્ટ સત્યજીત સિંહાએ કહ્યું કે રિલાયન્સના આ પગલાંને કારણે એડબ્લ્યુએસ અને ગૂગલે ભારત માટે નવા અને સસ્તા મોડેલ રજૂ કરવા પડશે. 
અંબાણી જિઓનો ઉપયોગ ઈન્ટરનેટ-એનેબલ્ડ ડિવાઈસીસ રજૂ કરવા, એન્ટરટેઈનમેન્ટ સર્વિસ આપવા, ફાઈબર બ્રોડબેન્ડ વિકસાવવા અને અન્ય અૉફારિંગ્સ વિકસાવવા માટે કરી રહ્યા છે.  
રિલાયન્સ-માઈક્રોસોફ્ટનો સહયોગ જિઓને તેની સર્વિસીસ દેશના ઝડપથી વિકસતાં સ્ટાર્ટ-અપ માર્કેટમાં પહોંચાડશે. 
માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટીવ સત્યા નાદેલાએ કહ્યું કે, `સહિયારી રીતે અમે ભારતના નાના અને મધ્યમ વેપારીઓને સંકલિત ટેક્નૉલૉજી સોલ્યુશન્સ અૉફર કરશું, જેમાં કૉમ્પ્યુટર અને સ્ટોરેજથી લઈને કનેક્ટિવિટી અને પ્રોડક્ટિવિટી સુધીનો સમાવેશ છે.  
અંબાણીએ કહ્યું કે કંપની સ્ટાર્ટ-અપ્સને વિના મૂલ્યે કનેક્ટિવિટી અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોને માસિક રૂા. 1500માં કનેક્ટિવિટી, પ્રોડક્ટિવિટી અને અૉટોમેશન ટૂલ્સ સહિતની સુવિધા પૂરી પાડશે.'  
ગાર્ટનરના ટેક રિસર્ચર નવીન મિશ્રાએ કહ્યું કે આ તળિયાના દર પાયાની સુવિધા માટેના છે. આ પગલાંથી ક્લાઉડ ટેક્નૉલૉજી ક્ષેત્રે ભાવયુદ્ધ શરૂ થશે. કારણકે આવતા પાંચ વર્ષમાં ભારતીય ક્લાઉડ માર્કેટ વાર્ષિક 23 ટકાના સરેરાશ દરે વધીને 5.6 અબજ ડૉલરને આંબે તેવી ધારણા છે.'  
એનલિસ્ટ્સે કહ્યું કે ભારત ભાવ સંવેદનશીલ રાષ્ટ્ર હોવાથી જેના ભાવ ઓછા તે ફાવશે.  
રિલાયન્સનો ક્લાઉડ ક્ષેત્રે એવા સમયે પ્રવેશ થયો છે જ્યારે દેશ સૌથી ઝડપથી વિકસતું વેબ સર્વિસીસ માર્કેટ બની રહ્યું છે અને ડેટા પ્રાઈવસી કાયદો ઘડી રહ્યું છે. આ કાયદાના ડ્રાફ્ટમાં ગ્રાહકોના મહત્ત્વના ડેટાને સ્થાનિક સ્તરે સ્ટોરેજ કરવા ઉપર ભાર અપાયો છે.  
રિઝર્વ બૅન્કે પણ માસ્ટરકાર્ડ અને વિઝા જેવી વિદેશી કંપનીઓને પેમેન્ટ્સ ડેટા માત્ર ભારતમાં સ્ટોર કરવા જણાવ્યું  છે.  
ઈન્ડિપેન્ડન્ટ ટેક્નૉલૉજી એડવાઈઝર કૃષ્ણા ઐયરે કહ્યું કે `જે કંપનીઓ આઈટી ઉપર નિર્ભર છે અથવા જેમની પાસે ગ્રાહકોનો ઘણો ડેટા છે તે રિલાયન્સ તરફ વળે તેવી સંભાવના છે કારણકે આ ડેટા ભારતમાં જ સ્ટોર થશે તેની ખાતરી છે.'
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer