ઇચલકરંજીના ટેક્સ્ટાઇલ ઉદ્યોગને રૂા.125 કરોડનું નુકસાન

ઇચલકરંજીના ટેક્સ્ટાઇલ ઉદ્યોગને રૂા.125 કરોડનું નુકસાન
પ્લેન સાદા પાવરલૂમોને મરણતોલ ફટકો જ્યારે ઓટો લૂમોને ઓછું નુકસાન

દેવચંદ છેડા
મુંબઈ, તા. 16 : કોલ્હાપુર-સાંગલીમાં મેઘતાંડવે ભારે ખાનાખરાબી સર્જી છે. એની બાજુમાં આવેલા ઇચલકરંજી પાવરલૂમ ઉદ્યોગને આશરે રૂા. 125 કરોડ આસપાસનું નુકસાન થયું છે. નદીકિનારે નીચાણવાળા વિસ્તારમાં આવેલા પાવરલૂમ કાપડના એકમો તો એક સપ્તાહ સુધી પાણીમાં ડૂબેલા રહેવાથી તેમની યંત્રસામગ્રી, કાચી સામગ્રી, બીમ, કાપડના તાકા વગેરે ભીંજાઈ ગયા છે. આ ઉપરાંત વીજળી પુરવઠો ખોરવાઈ જતાં ઉત્પાદનમાં ફટકો પડયો છે. રોડ-રસ્તા અને વાહનવ્યવહાર ખોરવાઈ જતાં કામકાજ પણ ઠપ થયાં છે. ઇચલકરંજીના અગ્રણી વિવરે જણાવ્યું હતું કે પ્લેન સાદા પાવરલૂમોને વધુ નુકસાન થયું છે જ્યારે અદ્યતન ઓટો લૂમોના એકમો ઊંચાણવાળા વિસ્તારમાં હોવાથી તેમને નુકસાન ઓછું થયું છે. વળી અત્યારે મંદીનો માહોલ છે અને ઘરાકી બિલકુલ નથી. આથી ઇચલકરંજીના ગ્રે કાપડના ભાવો નરમ રહ્યા છે.
ઇચલકરંજી પાવરલૂમ ઍસોસિયેશનના અધ્યક્ષ સતીષ કોષ્ટીએ જણાવ્યું હતું કે ઇચલકરંજીના નદીકાંઠે આવેલા હજારો પાવરલૂમ એકમો અડચણમાં આવી ગયા છે. તેમનું જો પુન:વસન નહીં થાય તો ઇચલકરંજી ભારતનું માંચેસ્ટર હોવાની જે છાપ છે તે ભૂંસાઈ જશે.
ઇચલકરંજી પાવરલૂમ ઍસોસિયેશન પાસે જે નોંધ છે તે અન્વયે 256 કારખાનાં પાણીમાં ડૂબેલાં હતાં. આ કારખાનાઓમાં 3718 પાવરલૂમો છે. ખાનાખરાબીનો આ આંકડો વધવાની ધારણા છે. ઇચલકરંજીમાં 9000 લોકો પૂરના કારણે વિસ્થાપિત થયા છે. આમાં પાવરલૂમ મજદૂરો અને કારખાનાવાળાઓનો પણ સમાવેશ થઈ જાય છે જ્યારે મહેશ્વરી સમાજના 250 લોકો વિસ્થાપિત થઈ ગયા છે.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer