લોકલ ટ્રેનના પ્રવાસીઓની બેગ છે જીવલેણ

મુંબઈ, તા.16 : મુંબઈમાં લોકલટ્રેનોની ભીડને કારણે ડબામાંથી પ્રવાસી પડી જવાની કેટલીક ઘટના બનતી હોય છે. તેના માટે રેલવેની અપૂરતી સેવા કારણભૂત છે એટલું જ નહીં, પણ પ્રવાસીઓની પીઠ ઉપર અથવા પેટ આગળ લટકાવવામાં આવેલી બેગ પણ જવાબદાર છે.
એક  ગણિત અનુસાર લોકલના ડબામાં આ બેગો 100 જણની જગ્યા રોકે છે. પ્રવાસીઓ પહેલા એક હાથમાં પકડી શકાય એવી સુટકેસ જેવી અૉફિસ બેગ વાપરતા હતા તેનાથી ટ્રેનની ભીડમાં તે અૉફિસ બેગ પગમાં અટકતી હતી તેથી પીઠ ઉપર કે પેટ આગળ લટકાવવાની બેગોનો ઉપયોગ વધ્યો છે.
રેલવે તંત્રએ આપેલ આંકડા અનુસાર ગત વર્ષે દોડતી ટ્રેનમાંથી પડી જવાને કારણે 711 જણનાં મરણ નીપજ્યાં હતાં. લોકલ ટ્રેનના ડબામાં વધતી ભીડનો તેઓ ભોગ બન્યા છે. રેલવેના એક અધિકારીએ આપેલી જાણકારી અનુસાર એક લોકલ ટ્રેનની ક્ષમતા 1700 પ્રવાસી વહન કરવાની છે.
એક ડબામાં 166 પ્રવાસી પ્રવાસ કરી શકે છે, પરંતુ હાલ ભીડના સમયે એક લોકલમાં આશરે 4500 પ્રવાસીઓ પ્રવાસ કરે છે. અર્થાત ધસારાના કે ભીડના સમયે ટેલિફોનના બૂથ જેટલી જગ્યામાં 14થી 16 પ્રવાસીઓ ડબામાં પ્રવાસ કરે છે. તેને `સુપર ડેન્સ ક્રશ લોડ' કહે છે! આ `લોડ' દિવસે દિવસે વધી રહ્યો છે. રેલવે પ્રવાસીઓ પાસેની `બેગ' તે સ્થિતિને વધુ વણસાવે છે.
ધસારા કે ભીડના સમયે પ્રવાસ કરનારા લગભગ 400માંથી 200 જણ પાસે આ પ્રકારની બેગો હોય છે. તે બેગ સામાન્યપણે છ ઈંચ પહોળી અને એકથી દોઢ ઈંચ ઊંચી હોય છે. એક વ્યક્તિને સરળતાથી કે આરામદાયક સ્થિતિમાં ઊભા રહેવા માટે દોઢ ફૂટ જગ્યાની જરૂર પડે એમ ધારી લઈએ તો બે બેગ મળીને એક પ્રવાસીની જગ્યા ઘટાડી દે છે. તેનો અર્થ એવો થાય કે એક ડબામાં 200 પ્રવાસીઓની 200 બેગ મળીને 100 જણની જગ્યા રોકે છે ! તેથી પ્રવાસીઓ તે બેગ પગ પાસે રાખે તો થોડો ફરક પડશે એમ રેલવે અધિકારીઓએઁ ઉમેર્યું હતું.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer