ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ

રાજ્યમાં ચાર દિવસ રહેશે વરસાદી માહોલ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.16: રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જામ્યો છે. જોકે, હવામાન વિભાગે વરસાદની તીવ્રતા ધીમે-ધીમે ઘટશે તેમ જણાવ્યું છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસતો રહેશે. જે ક્રમશ: ઘટયા બાદ આગામી 15 દિવસ દરમિયાન વરસાદી સિસ્મન સર્જાવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. 
ગુજરાતભરમાં જામેલું ચોમાસું પૂરું થવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે ફરી એકવાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મુશળધાર વરસાદ વરસાવ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક ડેમોમાં નવી નીરની આવક થઇ હતી. તો ઘણા ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલવાનો વારો આવ્યો હતો. 
ત્રણ દિવસના વિરામ બાદ ગઇકાલથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેતરોમાં કાચુ સોનું વરસ્યું હોય તેમ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના તમામ જિલ્લાઓમાં આજે દિવસ દરમિયાન 1થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ભારે વરસાદના કારણે અમદાવાદ-લુણાવાડાને જોડતો મહી નદી પરનો હાડોડ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. ઉપરવાસના વરસાદી પાણી બ્રિજ પર ફરી વળતા સાવચેતીને લઇને બ્રિજને બંધ કરવામાં આવ્યો છે.  મોડાસાના ઇસરોલથી માધુપુરા ગામ વચ્ચેના રસ્તા પરના કોઝવે પર પાણી ફરી વળતા આસપાસના પાંચ ગામોના વાહનવ્યવહારને અસર થઇ છે. જિલ્લાના અન્ય માર્ગો પર પણ વરસાદને કારણે વાહનચાલકો ફસાયા હતા. સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડતા હડિયોલ ગામે અડધો ફૂટ પાણી ભરાયા હતા. હડિયાલ-ગઢડા રોડ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. સિધ્ધપુરમાં પણ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. 
અરવલ્લી જિલ્લા અને શહેરમાં પણ ધોધમાર વરસાદથી ચોતરફ પાણી-પાણી થઇ ગયું હતું. અરવલ્લીના ભિલોડા પંથકમાં ભારે વરસાદથી લિલછા ગામે જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના મોટાભાગના રસ્તાઓ નદીઓ સમા બન્યા હતા અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. રાધનપુરમાં વિલંબ બાદ પણ મેઘરાજાની એન્ટ્રી થતા ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer