મહારાષ્ટ્રમાં પૂરનો મરણાંક 54, ચાર હજી લાપતા

પુણે, તા. 16 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત સાંગલી અને કોલ્હાપુરમાં જનજીવન થાળે પડી રહ્યું છે. આ બંને જિલ્લામાં નદીઓ ભયસૂચક આંકથી નીચે વહી રહી છે. પુણે ડિવિઝનમાં પૂર સંબંધી બનાવોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 54 થઈ છે. ચાર જણ હજી લાપતા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂરગ્રસ્તોને અત્યાર સુધીમાં 16,88,75,000 રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. સર્વેક્ષણમાં 10,702 ઘરોને નુકસાન થયું હોવાનું માલૂમ પડયું છે.
સાંગલીમાં 26, કોલ્હાપુરમાં દસ, સતારામાં આઠ, પુણેમાં નવ અને સોલાપુરમાં એક વ્યક્તિનું મરણ નીપજ્યું હતું. તેમાં સાંગલી જિલ્લામાં બ્રહ્મનાળ ગામમાં બોટ ઊંધી વળી જતાં 17 જણનાં મૃત્યુ થયાં તેનો પણ સમાવેશ થાય છે. સાંગલીમાં ગુમ થયેલી એક વ્યક્તિ રાહત છાવણીમાં પહોંચી છે તેથી હવે મૃતકો અને ગુમ થયેલાઓનો તાળો મળી ગયો છે.
સાંગલી જિલ્લાના ચાર તાલુકાનાં 104 ગામોમાં પૂરની ભારે અસર થઈ હતી. સાંગલીમાં 3,05,957 જણનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે કોલ્હાપુર જિલ્લામાં 12 તાલુકામાં 369 ગામોના 4,07,134 જણને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સત્તાવાળાઓ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો અને બૅન્કિંગ સેવા પૂર્વવત્ કરવામાં આવી રહી છે.

Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer