મુંબઈમાં બીજું બીકેસી બનશે

મુંબઈમાં બીજું બીકેસી બનશે
મુંબઈ, તા. 16 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડૅવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) એ ખાનગી ઉદ્યોગપતિઓની મદદથી બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સ (બીકેસી) જેવો જ બીજો વેપારી વિસ્તાર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) માં બનાવવાનો નિર્ણય લીધો છે. નવી પૉલિસી મુજબ, એમએમઆરમાં કોઈપણ ખાનગી ડૅવલપર અથવા જમીન માલિક પાસે 400 હૅક્ટર જમીન હોય તેઓ ગ્રોથ સેન્ટરના વિકાસ માટે એમએમઆરડીએનો સંપર્ક કરી શકે છે. 
જમીનના માલિક સાથે એમએમઆરડીએ ખાસ કંપની બનાવશે. તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડૅવલપમેન્ટ અને ગ્રોથ સેન્ટરના પ્લાનિંગની જવાબદારી સંભાળશે. જમીન ભાડા પર આપીને અથવા વેચીને જે આવક થશે તે એમએમઆરડીએ અને જમીન માલિક વચ્ચે વહેચવામાં આવશે. પરંતુ આવક વહેચણીનો ગુણોત્તર હજી નક્કી કરવામાં નથી આવ્યો, તેમ એમએમઆરડીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 400 હૅક્ટરની જમીન સિવાય માલિકોને અન્ય શરતોનું પણ ધ્યાન રાખવું પડશે. જેમ કે, વિકાસ કરવાની જમીન સ્ટેટ અને નેશનલ હાઈવેના સંપર્કમાં હોવી જોઈએ અને જો બીજો કોઈ રોડ હોય તો તે 30 મીટર પહોળો હોવો જોઈએ, જમીનની નજીક કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (સીઆરઝેડ) ન હોવો જોઈએ, જંગલની જમીન ન હોવી જોઈએ, જમીન ઈકોનોમિકલી સેન્સેટિવ ઝોનમાં ન આવતી હોવી જોઈએ.  
નવીમુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરારથી દક્ષિણ મુંબઈ કે  બીકેસી આવવામાં ઘણો સમય લાગે છે. સામાન્ય માણસના દિવસમાં સરેરાશ ત્રણ કલાક કામની જગ્યા પર આવવા-જવા માટે થાય છે. ગ્રોથ સેન્ટર શરૂ કરવા અને બિઝનેસ વિસ્તાર વિકસાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ છે કે કામની જગ્યાએ અવર-જવરમાં લોકોનો સમય બચે. તાજેતરમાં થયેલી એમએમઆરડીએની બોર્ડ મિટિંગમાં આ યોજનાને મંજુરી મળી હતી.
હવે રાજ્ય સરકારની આર્થિક મંજુરી મળ્યા બાદ યોજનાનો અમલ કરવામાં આવશે. 
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer