કુર્લાની ઝૂંપડપટ્ટીના વિદ્યાર્થીને વર્જિનિયા યુનિવર્સિટીએ પીએચડી કરવા બોલાવ્યો

કુર્લાની ઝૂંપડપટ્ટીના વિદ્યાર્થીને વર્જિનિયા યુનિવર્સિટીએ પીએચડી કરવા બોલાવ્યો
મુંબઈ, તા. 16 : કુર્લાની ઝૂંપડપટ્ટીમાં રહેતા જયકુમાર વૈદ્યે વિકટ પરિસ્થિતિનો સામનો કરીને મોટી સફળતા મેળવી છે. અમેરિકાની વર્જિનિયા વિદ્યાપીઠે તેને શિક્ષણ લેવા આમંત્રણ આપ્યું છે. તે હવે ત્યાં પીએચડી કરશે. ત્યાં તેને સ્ટાઈપેન્ડ પેટે વર્ષે 23,400 ડૉલર મળશે.
તાતા ઈન્સ્ટિટયૂટ અૉફ ફંડામેન્ટલ રિસર્ચમાં જુનિયર સંશોધક તરીકે કામ કરતા જયકુમારના બે વૈજ્ઞાનિક પેપર પ્રતિષ્ઠીત ગણાતા ઈન્ટરનેશનલ્સ જર્નલ્સમાં પ્રકાશિત થયા હતા. તેના આધારે વર્જિનિયા વિદ્યાપીઠે તેને પીએચડી કરવા આમંત્રણ આપી બોલાવ્યા છે.
કુર્લામાં માત્ર 75 ચો. ફૂટની નાની ઓરડીમાં માતા સાથે રહેતા જયકુમારે અત્યારસુધી ભારે આર્થિક સંકડામણનો સામનો ર્ક્યો છે. તેના પિતા અલગ રહે છે. તેની માતા નલીની ઘરનો ખર્ચ ચલાવવા નાના-મોટા કામો કરે છે. અદાલતમાં તેના માતા-પિતાના છૂટાછેડાનો કેસ ચાલે છે. વડાંપાઉં, સમોસા કે માત્ર પાંઉ ખાઈને પણ તેણે દિવસો કાઢયા હોવાનું તે યાદ કરે છે. તેના ઘરે આજે પણ સેંકડહેન્ડ ફ્રીજ અને ટીવી છે. આ સાંકડી ઓરડીમાં રહીને તેણે એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવ્યુ હતું. અન્યોના ઘરમાં ટીવી ઉપર ડિસ્કવરી ચેનલ જોઈને જયકુમારના મનમાં વૈજ્ઞાનિક બનવાની મહત્ત્વકાંક્ષા જાગી હતી. જયકુમાર કહે છે કે આજનો દિવસ સારો નહીં હોય પણ આવતી કાલનો દિવસ સારો હશે. તમે મહેનતુ, આશાવાદી અને સંયમી હસો તો બધુ જ શક્ય છે. કેટલાંક ટ્રસ્ટની મદદને લીધે તેના વૈજ્ઞાનિક બનવાના સપનાને પાંખો મળી હતી. તે શાળામાં ભણતો ત્યારે જ ટીવી રિપેર કરવાની દુકાનમાં નોકરી કરતો હતો. ત્યાં તેને મહિનાના ચાર હજાર રૂપિયા મળતા હતા. વિદ્યાવિહારની કે જે સોમૈયા કૉલેજ અૉફ એન્જિનિયરિંગમાંથી જયકુમારે ઈલેક્ટ્રોનીક એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી તે કૉલેજમાં હતો ત્યારે જ રોબોટીકસમાં રાષ્ટ્રીય સ્તરના ત્રણ અને રાજ્ય સ્તરના ચાર પુરસ્કાર મળ્યા હતા. તેથી તેને નામાંકીત કંપનીમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળી હતી.
વર્ષ 2016માં ટીઆઈએફઆરમાં જોડાયા પછી જયકુમારને મહિને 30,000 રૂપિયાનું વેતન મળવાની શરૂઆત થઈ હતી. તેના કારણે તેના માટે થોડા રાહતના દિવસો આવ્યા હતા. તેણે તે સમયે ઘરમાં સમારકામ કરાવ્યું અને એસી પણ બેસાડયું હતું. જીઆરઈ અને ટોફેલની પરીક્ષા માટે જયકુમારે મહેનતથી કમાયેલી રકમ ખર્ચી હતી.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer