ઇન્સ્પેક્ટર સાયરસ ઇરાનીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ

ઇન્સ્પેક્ટર સાયરસ ઇરાનીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
મુંબઈ, તા. 16 : મુંબઈ પોલીસ દળમાં અસાધારણ સેવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર સાયરસ બોમન ઇરાનીની હાલમાં જ રાજભવન ખાતે મહારાષ્ટ્રના ગવર્નર સી. વિદ્યાસાગર રાવના હસ્તે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા.
1993માં પોલીસ દળમાં જોડાયેલા ઇન્સ્પેક્ટર ઇરાનીએ વી. પી. રોડ વિસ્તારમાં 1993નાં કોમી રમખાણો કાબૂમાં લેવા નોંધનીય કામગીરી બજાવી હતી. ટ્રાફિક કંટ્રોલ બ્રાંચમાં હતા ત્યારે મુંબઈમાં 38 ફ્લાયઓવર્સ અને 3 રાહદારી પુલો તેમ જ 245 ટૅક્સી સ્ટેન્ડો ઊભા કરવામાં સેવા આપી હતી. 1999માં તલાસરીથી મુંબઈ `હોલી ફાયર' લાવવા માટે પાઇલટ અૉફિસર તરીકે તેમની નિમણૂક થઈ હતી.
આ ઉપરાંત મરીન ડ્રાઈવ ખાતે ઍરફોર્સ દ્વારા હવાઈ કવાયત, આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના પ્રધાનમંડળની શપથવિધિ અને મુંબઈ મેરેથોન પ્રસંગે પણ ઉત્તમ કામગીરી બજાવતા મહારાષ્ટ્રના પોલીસ વડાએ તેમનું સન્માન કર્યું હતું. તેઓએ આઈબીમાં તેમ જ ઇમિગ્રેશન ખાતામાં પણ સેવા આપી છે. પોલીસ દળમાં આંગળીના વેઢે ગણાય એવા પારસી અૉફિસરોમાં ઇરાની એક છે.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer