જમ્મુ-કાશ્મીરમાં સરકારી કચેરીઓ કાર્યરત

જમ્મુ-કાશ્મીરમાં સરકારી  કચેરીઓ કાર્યરત
આજથી ફોન કનેક્ટિવિટી, 19થી શાળા-કૉલેજો ખૂલશે

શ્રીનગર, તા. 16: કલમ 370 રદ કરાયાના પગલે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણો લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પરિસ્થિતિને ડામાડોળ કરવાના પાકના ઉધામા છતાં રાજ્યમાં (હિંસાથી) એક પણ મૃત્યુ થયુ નથી એમ રાજ્યના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રહ્મણ્યમે આજે જણાવ્યુ હતું. રાજ્યમાં પરિસ્થિતિ પૂર્ણપણે રાબેતા મુજબની છે અને શનિ-રવિ બાદ વિસ્તારવાર ઢબે શાળા-કોલેજો ખૂલતા જશે એમ જણાવી તેમણે ઉમેર્યુ હતું કે જાહેર પરિવહન કાર્યરત કરાશે અને સરકારી કચેરીઓ આજથી કાર્યરત થઈ ચૂકી છે. પત્રકાર પરિષદ સંબોધતાં તેમણે કહ્યુ હતુ કે ટેલિકોમ કનેક્ટિવિટી ધીમે ધીમે હળવી બનાવાશે અને તબકકાવાર ઢબે પુન:સ્થાપિત કરાશે. 
આ સમય દરમિયાન લોકોને જરૂરી સામાન, દવાઓ વ.ની કમી ન વેઠવી પડે તેનું ધ્યાન રખાયું છે, તેમ જ રાજ્યવાસીઓની સલામતી અંકે કરવા કેન્દ્રે કેટલાક પગલા લીધા છે, જેમાં મુકત હેરફેરના નિયંત્રણો અને ટેલિકોમ કનેક્ટિવિટી અટકાવી દેવાનો, મોટી સંખ્યામાં લોકોએ એકઠા થવા મનાઈ અને શાળા-કોલેજ બંધ કરવાના પગલાનો સમાવેશ થતો હતો એમ તેમણે જણાવ્યુ હતું. ખીણમાં સીમાપારથી પ્રાયોજિત આતંકવાદ ઉત્તેજવાના પ્રયાસ થતા આવ્યા છે. જૈશ અને તૈયબા વ. આતંકી સંગઠનો યુવા વર્ગને ભડકાવી અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ કરે છે. તે જોતાં કાયદો-વ્યવસ્થા જાળવવા કાયદાની જોગવાઈ મુજબ કેટલાક લોકોની પ્રતિબંધાત્મક અટકાયત કરવામાં આવી છે એમ તેમણે કહ્યુ હતુ.
આ પહેલાં રાજ્યપાલ સત્યપાલ મલિકે આજથી રાબેતા મુજબ કાર્યરત થવા અહીંના સચિવાલય/ તમામ સરકારી કચેરીઓને દોરવણી આપી હતી.ગઈ કાલે તેમણે અહીંના શેરે કાશ્મીર સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને આ પ્રદેશના રહેવાસીઓને હૈયાધારણ આપી હતી કે તેઓની પ્રાદેશિક ઓળખ જોખમાશે નહીં.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer