સલામતી સમિતિની બેઠકમાં પાકિસ્તાન અને ચીન હડધૂત

સલામતી સમિતિની બેઠકમાં પાકિસ્તાન અને ચીન હડધૂત
યુનોમાં ઈતિહાસમાં બીજીવાર કાશ્મીર મુદ્દો ચર્ચાયો : બંધબારણે બેઠક યોજાઈ
 
અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ સહિતના સભ્ય દેશો ભારતની પડખે
 
નવી દિલ્હી/ન્યૂ યૉર્ક/ ઇસ્લામાબાદ, તા.16: એક તરફ રઘવાયેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ટેલિફોન પર વાત કરીને કાશ્મીર મુદ્દાની ચર્ચા કરી હતી, જ્યારે બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવાનાં ભારતનાં પગલાંની સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી બેઠકમાં કરાયેલી ચર્ચામાં ચીન અને પાકિસ્તાનને ધુતકારાયું હતું, જ્યારે ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને એવી ગર્ભિત ચેતવણી આપતાં જણાવ્યું હતું કે સંજોગોના આધારે અમારી અણુનીતિ બદલાઈ શકે છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવામાં આવ્યા બાદ પાકિસ્તાનને બેચેની પેઠી ગઈ છે અને તેનાં લાખ પ્રયાસો છતાં આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી ચીન સીવાય કોઈ તેનો હાથ ઝાલી રહ્યું નથી. ત્યારે આજે ચીનનાં આગ્રહવશ આ મામલો ચર્ચવા માટે સંયુક્તરાષ્ટ્રની સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની બેઠક મળી હતી. જો કે ઈતિહાસમાં પહેલીવાર આ બેઠક બંધ બારણે યોજવાની ફરજ પડી હતી. ચીન સીવાયનાં તમામ દેશોએ આ મુદ્દાને દ્વિપક્ષી ઉકેલવા આગ્રહ રાખ્યો હતો. જેમાં રશિયાએ ખુલીને ભારતને સમર્થન આપ્યું છે. આમ આજે ઈતિહાસમાં બીજીવાર યુનોનાં મંચ ઉપર કાશ્મીર મામલે ચર્ચા થઈ હતી.
યુએનએસસી ભલે આજે કાશ્મીર મુદ્દો ચર્ચવા માટે મળી હોય પણ તેની આ બેઠક ઔપચારિક નહોતી. એટલે આજની આ બેઠકનો કોઈ નિષ્કર્ષ અધિકૃત રૂપે ઘોષિત કરવામાં આવ્યો ન હતો. વળી આજની આ બેઠકમાં યુએનએસસીનાં ફક્ત પાંચ કાયમી સદસ્ય દેશો અને 10 અસ્થાયી દેશોનાં પ્રતિનિધિઓ જ હાજર રહ્યા હતાં. ભારત અને પાકિસ્તાનનો પણ આ બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં કાયમી સદસ્ય ચીને કાશ્મીરની હાલત તનાવપૂર્ણ અને ખતરનાક ગણાવી હતી. આ ઉપરાંત માનવ અધિકારની સ્થિતિ વિશે પણ ચીને ઘેરી ચિંતા દર્શાવી હતી. તો બીજીબાજુ આજની બેઠકમાં જતાં પહેલા જ યુએનએસસીનાં કાયમી સદસ્ય દેશ રશિયાનાં પ્રતિનિધિ દિમિત્રી પોલીન્સ્કીએ ભારતનો પક્ષ લેતાં સ્પષ્ટ કરી દીધું હતું કે, આ ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષી મામલો છે. 
સંયુક્તરાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને આજે મળેલી આ બેઠક પછી કહ્યું હતું કે, કલમ 370 ભારતનો આંતરિક પ્રશ્ન છે. તેમાં બહારી લોકોનાં હસ્તક્ષેપની કોઈ જ આવશ્યકતા નથી. જમ્મુ-કાશ્મીરનાં સામાજિક અને આર્થિક ઉત્થાન માટે જ ભારતે આ પગલું ભર્યુ છે. સરકાર પણ ધીમેધીમે તમામ નિયંત્રણો હટાવી રહી છે. પાક.નાં નામનો ઉલ્લેખ કર્યા વિના તેમણે આગળ કહ્યું હતું કે, દેશ દેશ જેહાદ અને હિંસાની વાતો કરી રહ્યું છે. પરંતુ ભારત પોતાની નીતિ ઉપર યથાસ્થિત છે. 
અત્રે ખાસ નોંધપાત્ર છે કે ઈતિહાસમાં પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર જેવી સૌથી શક્તિશાળી આતંરરાષ્ટ્રીય સંસ્થાને બંધ બારણે બેઠક કરવી પડી છે. જ્યારે કાશ્મીર મુદ્દે યુનોમાં આ બીજીવાર પરામર્શ થયો છે. આ પહેલા 1971માં આ મુદ્દે બેઠક મળી હતી. યુએનએસસીમાં કુલ 15 સદસ્યો હોય છે. જેમાં પાંચ કાયમી અને 10 હંગામીનો સમાવેશ થાય છે. અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ તેનાં કાયમી સદસ્ય છે. જ્યારે બેલ્જીયમ, કોટ ડીવોએર, ડોમિનિશ રિપબ્લિક, ઈક્વેટોરિયલ ગુએની, જર્મની, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરી, પોલેન્ડ અને દક્ષિણ આફ્રિકા અસ્થાયી સભ્યપદ ધરાવે છે.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer