અર્થતંત્રને વેગવાન બનાવવાનાં પગલાં આવી રહ્યાં છે

નવી દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકાર ધીમી પડેલી આર્થિક વૃદ્ધિને વેગીલી બનાવવા તાત્કાલિક ધોરણે કેટલાંક પગલાં લેવાની રૂપરેખા તૈયાર કરી રહી છે. આ માટે જ નાણાપ્રધાન નિર્મલા સીતારામન પર દબાણ વધી રહ્યું છે. આ સંદર્ભમાં જ સીતારામને ગઈ કાલે વડા પ્રધાનની અૉફિસ સાથે ચર્ચા-મસલત કરી હતી અને ઘણુંખરું કરીને આ અંગેના મુદ્દાઓને અંતિમ સ્વરૂપ અપાય કે તરત જ તેને અનુલક્ષીને પગલાં લેવાશે એમ નાણામંત્રાલયના સ્ત્રોત દ્વારા જાણવા મળ્યું છે.
વાસ્તવમાં આ પ્રકારના પ્રયાસનો હેતુ ભારતના અર્થતંત્રને 2024-'25 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલર અને 2032 સુધીમાં 10 ટ્રિલિયન ડૉલરની મૂડીનું બનાવવાનો છે. આ જ દિશામાં આગળ વધવા નાણામંત્રાલય અન્ય વિવિધ મંત્રાલયોના અભિપ્રાયો, સલાહસૂચનો વગેરે પણ ધ્યાનમાં લેવાં ધારે છે. જેથી કરીને વિશેષ તો આ વૃદ્ધિ સાથે રોજગારી સર્જન પણ વધે તેવો હેતુ રહ્યો છે. એટલે જ સરકારે 6ઠ્ઠી જૂનના બે નવી કૅબિનેટ કમિટીઓ જેવી કે એક, કૅબિનેટ કમિટી ઓન ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ગ્રોથ મની બીજી, કૅબિનેટ કમિટી ઓન એમ્પ્લોયમેન્ટ ઍન્ડ સ્કીલ ડેવલપમેન્ટની રચના કરી હતી.
2018-'19ના પ્રથમ કવાર્ટરથી આર્થિક વૃદ્ધિ ધીમી પડી ગઈ છે. રિઝર્વ બૅન્કે તાજેતરમાં વૃદ્ધિનો અંદાજ 7 ટકાથી ઘટાડીને 6.9 ટકાનો કર્યો હતો. રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર કઠિન સમસ્યા વહન કરી રહ્યાં છે. અૉટો ક્ષેત્રમાં કારનું વેચાણ સતત નવ માસથી ઘટતું રહ્યું છે, જેમાં જુલાઈમાં તો નવી કાર માટેની માગ વર્ષ પૂર્વે કરતાં 30 ટકા ઓછી હતી. તેના પડછાયા બૅન્કિંગ ક્ષેત્ર પર જોવા મળી રહ્યા છે.
નાણામંત્રાલયે આ સર્વ લક્ષમાં રાખીને બૅન્કો, ઉદ્યોગ, એસએમઈ, ફાઈનાન્સિયલ અને અૉટો ક્ષેત્રો સાથે મિટિંગ યોજીને તેઓની સમસ્યાઓ જાણી લીધી છે. હવે આ સમસ્યાઓનાં નિવારણ માટે અત્રે કેવાં પગલાં લેવાં જોઈએ એ વિષયે વિશ્લેષણ કરી રહ્યા છે.
ક્રૂડતેલની જેમ સોનું અને ચોક્કસ ઈલેકટ્રોનિક વગેરે પણ આ દેશમાં ઉત્પાદિત નથી. જે પણ સોનું ખરીદીએ તે મોટા ભાગે આયાત કરાયેલું હોય છે. સીતારામને કહ્યું કે કાળાં નાણાં `પરત' વેપાર-ઉદ્યોગમાં આવી રહેલાં જણાય છે. સરકાર આ અટકાવવા તથા તેનો પ્રભાવ ઘટાડવાના પ્રયાસો કરી રહી છે.
સરકાર હાલ લગભગ દરેક ક્ષેત્રોમાં માગની મંદી છે તેના બદલે માગ વધે અને આર્થિક વૃદ્ધિ વેગ પકડે એ દિશામાં વિચારી રહી છે, પગલાં લેવા ધારે છે. બૅન્કિંગ ક્ષેત્રમાં હાલ તો પૂરતી પ્રવાહિતા છે, ત્યારે બૅન્કોએ વ્યાજના નીચા દરનો લાભ ગ્રાહકોને મળવા જોઈએ.

Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer