લોર્ડસ ટેસ્ટ સ્ટોક્સની સદીથી ઇંગ્લૅન્ડે બીજો દાવ 5 વિકેટે 258 રને ડિકલેર કર્યોં

લોર્ડસ ટેસ્ટ સ્ટોક્સની સદીથી ઇંગ્લૅન્ડે બીજો દાવ 5 વિકેટે 258 રને ડિકલેર કર્યોં
લંડન, તા. 18 : એશિઝ સિરિઝનો બીજો ટેસ્ટ નિશ્ચિત ડ્રો ભણી ખેંચાઇ રહ્યો છે. આજે લોર્ડસ ટેસ્ટના પાંચમા અને આખરી દિવસે ઓલરાઉન્ડર બેન સ્ટોકસની શાનદાર સદીથી ઇંગ્લેન્ડના ચાના સમય પૂર્વે પ વિકેટે 258  રને તેનો બીજો દાવ ડિકલેર કર્યોં હતો. આથી ઓસ્ટ્રેલિયાને જીત માટે બાકી રહેલી 48 ઓવરમાં 267 રનનું અશકય સમાન લક્ષ્યાંક મળ્યું હતું. બેન સ્ટોકસે તેના 54મા ટેસ્ટમાં કારકિર્દીની સાતમી સદી ફટકારી હતી. તેણે 165  દડામાં 11 ચોકકા અને 3 છકકાથી સદી કરીને અણનમ 115 રન કર્યાં હતા. તેના અને જોશ બટલર વચ્ચે પાંચમી વિકેટમાં 90 રનની ભાગીદારી થઇ હતી. બટલર 137 દડામાં 7 ચોકકાથી 66 રને આઉટ થયો હતો. જોની બેયરસ્ટો 30 રને નોટઆઉટ રહયો હતો. આથી ઇંગ્લેન્ડે 71 ઓવરમાં 5 વિકેટે 258 રન કરીને તેનો બીજો દાવ ડિકલેર કર્યોં હતો. આ પહેલા ઇંગ્લેન્ડ તરફથી બીજા દાવમાં રોરી બર્ન્સે 29, જેસન રોયે 2, સુકાની જો રૂટે 0, જો ડેનલીએ 26 રન કર્યાં હતા. કમિન્સને બીજા દાવમાં 3 વિકેટ મળી હતી.
દરમિયાન, સ્ટીવન સ્મિથને લોર્ડસ ટેસ્ટના પહેલા દાવમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનો બાઉન્સર બોલ ગરદન પર લાગ્યો હતો. જો કે મેદાન છોડયા બાદ ફરી તે દાવમાં આવ્યો હતો અને વધુ 12 રન કરીને કુલ 92 રને આઉટ થયો હતો. આ પછી તે લોર્ડસ ટેસ્ટની બહાર થઇ ગયો છે. આથી તેના સ્થાને ઓસ્ટ્રેલિયાની ઇલેવનમાં માર્નસ લાબુશેનનો સમાવેશ થયો હતો. જે મેચ રેફરી રંજન મદગુલ્લેએ મંજૂર રાખ્યો હતો. આથી ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર કોઇ એકસ્ટ્રા ખેલાડીએ બેટિંગ કર્યું હતું. લાબુશેન સ્મિથના સ્થાને બીજા દાવમાં બેટિંગમાં આવ્યો હતો. આ મેચ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો છે. જેમાં આઇસીસીએ ઇજાગ્રસ્ત ખેલાડી જો મેચમાંથી સંપૂર્ણ રીતે બહાર થઇ જાય તો તેના સ્થાને બેટિંગ-બોલિંગ કરવાની મંજૂરી આપી છે. 

Published on: Mon, 19 Aug 2019

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer