સિંધુનું લક્ષ્ય સુવર્ણ આજથી વર્લ્ડ ચૅમ્પિયનશિપ

સિંધુનું લક્ષ્ય સુવર્ણ આજથી વર્લ્ડ ચૅમ્પિયનશિપ
સાઇના અને શ્રીકાંત પણ શાનદાર દેખાવ માટે ઉત્સુક

બાસેલ (સ્વિત્ઝરલેન્ડ), તા.18: ભારત માટે બે રજત ચંદ્રક જીતી ચૂકેલી સ્ટાર શટલર પીવી સિંધુ સોમવારથી અહીં શરૂ થઇ રહેલ બીડબ્લ્યૂએફ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કરવા વધુ એકવાર શાનદાર દેખાવ કરવા બેતાબ છે. સિંધુ પાછલા કેટલાક વર્ષોમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સતત સારો દેખાવ કરતી આવી છે. તેણીએ સતત બે રજત અને એટલા જ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. તેણીની સુવર્ણની આશ હજુ અધૂરી છે. 24 વર્ષીય સિંધુ પાછલા બે ફાઇનલમાં હાર સહન કરી ચૂકી છે. 2017માં 110 મિનિટની રોમાંચક ટક્કર બાદ જાપાનની નાજોમી ઓકુહારા સામે 2018માં સ્પેનની કેરોલિના મારિન સામે પરાજીત થઇ હતી. પાંચમા ક્રમની સિંધુ આ વખતે વધુ સારી ફિટનેસ અને ડિફેન્સ સાથે કોર્ટમાં ઉતરશે.
પીવી સિંધુને પહેલા રાઉન્ડમાં બાય મળી છે. તેના અભિયાનનો પ્રારંભ ચીની તાઇપેની પાઇ યુ અને બલ્ગેરિયાની લિંડા જેચિરી વચ્ચે રમાનાર મેચના વિજેતા સામે થશે. જેમાં તેને જીત મળશે તો ત્રીજા રાઉન્ડમાં તે અમેરિકાની બેઇવેન ઝાંગનો સામનો કરવો પડી શકે છે. 
અનુભવી શટલર સાઇનાને પણ પહેલા રાઉન્ડમાં બાય મળી છે. તેના અભિયાનનો પ્રારંભ સ્વિસ ખેલાડી સબરીના જાકેટ અને નેધરલેન્ડસની સોરાય ડે વિચ વચ્ચેના મેચના વિજેતા સામે કરશે. સાઇનાને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમો ક્રમ મળ્યો છે. પુરુષ વિભાગમાં ઘૂંટણની ઇજામાંથી બહાર આવી ગયા બાદ કિદાંબી શ્રીકાંત સફળ વાપસીના ઇરાદે ઉતરશે. તેણે પાછલા 22 મહિનાથી કોઇ ડબ્લ્યૂએફ ટૂર ટાઇટલ જીત્યું નથી. શ્રીકાંતની પહેલા રાઉન્ડમાં ટક્કર સિંગાપોરના લોહ કીન યયૂ સામે થશે.  સાઇ પ્રણિત અને એચએસ પ્રણોય પણ ભારતનો પડકાર રજૂ કરશે. ડબલ્સમાંથી સાત્વિકરાજ અને ચિરાગ શેટ્ટી હટી ગઇ છે. 
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer