પાંચ પીએસએલવી બનાવવા ખાનગી પેઢીઓને ઈસરોનું ઈજન

`મેઈક ઈન ઈન્ડિયા'ને પુષ્ટિ
બેઁગલુરુ, તા. 18 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મેઈક-ઈન-ઈન્ડિયા પહેલને મળેલી મોટી પુષ્ટિમાં ઈસરોએ ઉપગ્રહ અવકાશમાં છોડવાને વપરાતા પાંચ પીએસએલવી (રોકેટ) બનાવવા દેશની ખાનગી કંપનીઓને ઈજન આપ્યું છે. ઈસરોના ચેરમેન કે. સિવને એક અખબાર સાથેની વાતચીતમાં આમ જણાવી કહ્યં હતું કે હાલ તરત તો અમે એષ્પ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (ઈઓઆઈ) મગાવ્યા છે, જે કોઈ વિદેશી પેઢીઓ માટે ખૂલ્લા નથી રખાયા. અમને લાગે છે આનાથી મેઈક ઈન ઇન્ડિયાની પહેલને વેગ મળશે.
એક રીતે તો ઈસરોની કાર્યશૈલીમાંનો બદલાવ ગણી શકાય. (ઈસરોનું આ પચાસમું વર્ષ છે) વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્ણપણે ઈન્ટીગ્રેટેડ પીએસએલવી લોન્ચ વેહિકલ બનાવવા રૂ. બસો કરોડનું ખર્ચ થતું હોય છે. મતલબ પાંચ પીએસએલવી બનાવવાના ખર્ચ પેટે થનાર રૂ. હજાર કરોડના મૂલ્યનો સોદો ઈસરો ખાનગી ઉદ્યોગને ઓફર કરી રહ્યું છે. ઉદ્યોગને ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સંભાળી લેવાની જવાબદારી ઈસરોની, 6 માર્ચે સ્થપાયેલી નવી કમર્સીઅલ પાંખ ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસએલઆઈ)ને સોંપાઈ છે.
હિન્દુસ્તાન એરોનોટીકસ લિ. (એચએએલ) અને એલ એન્ડ ટી જેવી કેટલીક મોટી કંપની પીએસએલવી માટે અમારી સાથે કામ કરી ચૂકી છે અને તેઓ સમજુતિ પર સહી પણ કરી ચૂકી છે એમ જણાવી સિવાને ઉમેર્યુ હતું કે કોન્સોર્સિયમ (જૂથ) રચી તેઓ આ પ્રક્રિયામાં સામેલ થઈ પરિણામ આપી શકશે તે અંગે અમને આત્મવિશ્વાસ છે.
હકીકતે એનએસએલઆઈ એવો જનાદેશ ધરાવે છે કે ઈઓઆઈમાં માત્ર કોન્સોર્સિયમ જ સામેલ થઈ શકે અને તા. 6 સપ્ટે. સુધીમાં તેની પાસે ઈઓઆઈ આવી જવા ધારણા છે એમ જણાવી સિવાને ઉમેર્યુ કે ઉત્પાદન ટૂંકમાં શરૂ થશે. ગોદરેજ તથા અનેક નાની કંપનીઓ ય છે.
કોઈ પણ પીએસએલવી રોકેટ બનાવવામાં નાના મોટા દોઢસો ઉદ્યોગોનું યોગદાન હોય છે. એચએએલ અને એલ એન્ડ ટી ચાવીરૂપ કોન્ટ્રીબ્યુટર્સ રહ્યા છે- એચએએલ બહુવિધ સેગમેન્ટ્સમાં ઈસરોનું હિસ્સેદાર રહેતું આવ્યુ છે, પીએસએલવી હોય કે જીએસએલવીના સ્ટ્રકચર્સ તૈયાર કરવાના હોય કે સીઈ-20 ક્રાયોજેનિક એન્જિન. પીએસએલવી સ્ટ્રકચર (માળખા)ના 24 સેટ અને જીએસએલવીના બે સેટની વર્ધે આજની તારીખે તેની પાસે છે. 75ની સાલથી ઈસરો સાથે સહયોગ કરતું એલ એન્ડ ટી પીએસએલવી માટેના એસ139 સોલિડ રોકેટ બુસ્ટર બનાવતું આવ્યું છે.
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer