હવે હેલિકૉપ્ટરો જુહુ રનવેના સૂકા ગ્રાઉન્ડમાંથી `ટેક અૉફ'' કરી શકશે

મુંબઈ, તા. 18 : જરા સરખો વરસાદ પડે તો જુહુ ઍરપોર્ટમાં પુષ્કળ પાણી ભરાતાં હોય છે જે ભારતના અૉફશૉર હેલિકૉપ્ટર અૉપરેશન્સનું મુખ્ય કેન્દ્ર છે. છેલ્લા બે મહિનામાં જુહુ રનવેનો અમુક હિસ્સો ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબેલો હોવાથી ઍરટ્રુફક કંટ્રોલ (એટીસી)ને જુહુથી સંપૂર્ણપણે હેલિકૉપ્ટર સેવા સ્થગિત કરવી પડી છે. આથી અૉફશોર અૉપરેશન્સ કાર્યાન્વિત કરવા ઍરપોર્ટ અૉથોરિટીએ હવે જુહુ રનવેના ઊંચાઈ પર આવેલા અમુક હિસ્સામાંથી જ હેલિકૉપ્ટરોને ટેકઅૉફ કરવાની મંજૂરી આપવા વિચાર્યું છે. ગત શુક્રવારે જુહુ એટીસી અને ડિરેક્ટર જનરલ અૉફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની યોજાયેલી બેઠકમાં અૉપરેટરો સાથે આ મુદ્દે ચર્ચા થઈ હતી.
આ બેઠક યોજવાની ઓએનજીસીએ વિનંતી કરી હતી કેમ કે એટીસી જ્યારે રનવેમાં પાણી ભરાતાં હતાં ત્યારે એટલે કે તે દિવસોએ ફ્લાઈટ અૉપરેશન્સ બંધ કરી દેતું હતું. આમ હવે જુહુ રનવેના પાણી વિનાના હિસ્સામાંથી હેલિકૉપ્ટરોને રાહત થઈ છે.
અૉપરેટરોને સલામતીની ખાતરી માટે આવા અૉપરેશન્સમાં સ્ટાન્ડર્ડ અૉપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે.
Published on: Mon, 19 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer