ગાંધી-નેહરુ કુટુંબ બ્રાન્ડ ઈક્વિટી ધરાવે છે

બહારની વ્યકિત કૉંગ્રેસ ચલાવી ન શકે : અધિર ચૌધરીનો હુંકાર
 
કોલકાતા, તા. 18 : ગાંધી-નેહરુ પરિવાર બહારના કોઈ પણ નેતા માટે પક્ષને ચલાવવો દુષ્કર છે કારણ કે આ પરિવાર બ્રાન્ડ-ઈકિવટી ધરાવે છે એમ પક્ષના લોકસભામાંના નેતા અધિર રંજન ચૌધરીએ જણાવ્યુ હતું. કોંગ્રેસ પક્ષ પુન:જીવિત થવાનું, પક્ષનું કમબેક થવાનું મહદંશે પ્રાદેશિક પક્ષો નબળા પડવા પર નિર્ભર છે. આ પક્ષોમાં વિચારધારાઓનો અભાવ છે એમ જણાવી ચૌધરીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ જેવો મજબૂત વિચારધારા ધરાવતો પક્ષ જ ભાજપ જેવા કોમી રથ સામે બાથ ભીડી શકે એમ છે. જે રીતે પ્રાદેશિક પક્ષો કામગીરી બજાવી રહ્યા છે તે જોતાં આવનારા દિવસોમાં તેઓનું મહત્વ ગુમાવી દેશે.  મતલબ  કે દેશ દોનધ્રુવીય રાજકારણ તરફ આગળ વધી રહ્યો છે. આમ થતાં સત્તા પર કોંગ્રેસનું કમબેક થશે, તેથી કોંગ્રસનું ભાવિ ઉજળું છે. ક્ષેત્રિય પક્ષોમાં કોંગ્રેસ જેવી વૈચારિક હેતુલક્ષિતા અને બહોળો જનાધારનો અભાવ રહ્યો છે એમ તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યુ હતું.
સોનિયા ગાંધી ફરી વાર પક્ષનું સુકાન સંભાળવાને નામરજી ધરાવતા હતા, પરંતુ રાહુલ ગાંધીના રાજીનામા બાદ પક્ષનું સંગઠન કટોકટીનો સામનો કરી રહ્યો છે તેવા સમયે પક્ષના વરિષ્ઠ પદાધિકારીઓની વિનંતીને તેમણે માન આપ્યું છે. કટોકટીના કપરા સમયમાં પક્ષનું તેમણે નેતૃત્વ કર્યુ છે. પક્ષના નવા પ્રમુખ ચૂંટવાના પ્રયાસ ચાલી રહ્યા છે એમ કોંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય ચૌધરીએ જણાવ્યુ હતું.
હાલના ભાજપ તરફ તમે જુઓ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિના શું તે સરળપણે ચાલી શકે તેવો છે ખરો ? જવાબ છે ના એમ ચાધરીએ કહ્યુ હતું. જયારે કોંગ્રેસમાં ગાંધી કુટુંબ અમારા માટે બ્રાન્ડ ઈકિવટી છે, તેમાં કોઈ હાનિ નથી. તેમના જેવો કરીશ્મા પક્ષમાં કોઈ પાસે નથી, આ એક કઠોર વાસ્તવિકતા છે એમ ચૌધરીએ કહ્યુ હતું.
લોકસભા ચૂંટણીમાં પક્ષના પરાભવની જવાબદારી સ્વીકારી લેવાના રાહુલ ગાંધીના નિર્ણયને અન્ય નેતાઓએ પ્રેરણા લેવા જેવું ઉમદા કૃત્ય ગણાવી તેની સરાહના કરતા ચાધરીએ જણાવ્યુ હતું કે તેમને વડા પ્રધાનપદના સંયુકત વિપક્ષી ઉમેદવાર ઘોષિત કરી દેવાયા હોત તો પરિણામ જુદું જ હોત.
સોનિયા ગાંધીને સુકાન સોંપાય તે મુદ્દો પક્ષના જૂના જોગીઓએ યુવા નેતાગીરીને ગળે ઉતારવો પડયો જયારે યુવા નેતાગીરીનુ પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીનો આગ્રહ હતો કે યુવા નેતાને આ પદે મૂકવામાં આવે. જૂના-નવાનું 
મિશ્રણ પક્ષના ભલા માટે છે. વિચારભેદ હોઈ શકે છે, પણ ધ્યેય સમાન જ છે.
Published on: Mon, 19 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer