કાયદો-વ્યવસ્થાની ખૂબી ગણવી કે ખામી ?

બે વર્ષમાં ગુજરાતમાં અઢી અબજનો દારૂ, સાડા ત્રણ અબજનાં વાહનો જપ્ત!

પોરબંદરનાં રાણાવાવ ગામે પોલીસ સ્ટેશનનાં લોકાર્પણ વખતે ગૃહરાજ્ય મંત્રી જાડેજાનું નિવેદન
પોરબંદર, તા. 18: માત્ર બે વર્ષમાં જ ગુજરાતમાં અઢી અબજનો દારૂ અને સાડા ત્રણ અબજના વાહનો જપ્ત થયા છે તેવું નિવેદન રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એ પોરબંદરના રાણાવાવ ગામે તૈયાર થયેલા સ્માર્ટ પોલીસ સ્ટેશનના લોકાર્પણ વખતે કર્યુ હતું. ત્યારે તેને કાયદો વ્યવસ્થાની ખામી ગણવી કે ખૂબી? તેવો સવાલ ઉભો થાય છે.! 
ગૃહ રાજયમંત્રીએ શાંતીપ્રિય ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ તળે સરકારે દારૂબંધી, ગૌ-હત્યા, મહિલાઓના ચેન લુંટનારોઅ સામે કડક કાયદાઓ બનાવી તેનો અમલ કર્યો છે તેમ જણાવી કહ્યં કે, છેલ્લા બે વર્ષમાં રા. 250 કરોડનો દારૂ અને રા.350 કરોડના વાહનો જપ્ત કરવામાં આર્વ્યા છે. 
બદલાતા સમય સાથે તાલમેલ જાળવવા સ્માર્ટ પોલીસ સ્ટેશન અને શાર્પ પોલીસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે, તેમ રાણાવાવ ખાતે રા. 12 લાખના ખર્ચે નિર્મિત પોરબંદર જિલ્લાના પ્રથમ સ્માર્ટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહ, ઉર્જા, કાયદો અને ન્યાય રાજયમંત્રી પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું.  
શાતીર ગુન્હેગારો હાઇ ફાઇ થયા છે, વાઇફાઇનો ઉપયોગ કરતા થયા છે, ત્યારે તેમને નેશ્ત નાબુદ કરવા પોલીસને આધુનિક ટેકનોલોજી અને તાલીમથી સુસજજ કરવામાં આવી રહી છે. જેના માટે રાજય સરકારે ગૃહવિભાગને રા. 6618 કરોડનું બજેટ ફાળવ્યું છે. તેમજ છેલ્લા વર્ષોમાં 50 હજાર જેટલા પોલીસ જવાનોની ભરતી કરવામાં આવી છે તેમ તેમણે ઉમેરી કહ્યું હતું કે સમગ્ર ગુજરાતને રા. 330 કરોડના ખર્ચે સીસીટીવી નેટવર્ક, એફએસએલ, લો-યુનિ., રક્ષાશક્તિ યુનિ. તમામના સંકલન સાથે ગુજરાતને સુરક્ષીત કર્યુ છે.
સુરક્ષીત ગુજરાતની પાછળ આપણા દિર્ધદ્રષ્ટા વડાપ્રધાન નરેદ્રભાઇ મોદીનું વિઝન કામ કરે છે. તેમણે 370 અને 35 એ કલમ દુર કરી એક ભારત શ્રેષ્ઠ ભારતની કરોડો દેશબાંધવોની આકાંક્ષા સાર્થક કરી છે ગુજરાત પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા સાથે આફતના સમયે માસુમ ભૂલકાઓ સાથે લોકોના જીવન બચાવવાના કાર્યો થકી પોલીસની સમગ્ર ઓળખને બદલાવી નાખી છે. ગૃહ રાજયમંત્રી સ્ટુડન્ટ પોલીસ કેડેટોને પણ મળ્યા હતા.  
લોકાર્પણમાં સહભાગી ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ પોલીસદળની કામગીરીના ભારણને ધ્યાને લઇ માળખાગત સુવિદ્યામાં કરેલ વધારાને સરાહનીય પગલું ગણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જુનાગઢ રેન્જ આઇ.જી. સુભાષ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન સાથે પોલીસના આધુનિકરણ માટે રાજય સરકારે લીધેલ પગલા તેમજ પોલીસના પ્રજાલક્ષી અભિગમની વિગતો આપી હતી. ઉદઘાટન બાદ ગૃહ રાજ્યમંત્રીએ પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યફોજી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજાસિંહ ગોહિલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનો માધ્યમથી જિલ્લાની કાયદો વ્યવસ્થા, પોલીસ સ્ટાફ સહિતની વિસ્તૃત વિગતો આપી હતી. 
રાણાવાવ સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ સુવિધાઓ 
20 ડિસેમ્બર 1950 થી કાર્યરત રાણાવાવ પોલીસ સ્ટેશન હેઠળ 29 ગામ, 32 નેશ અને 29731.43 સ્કેવર કી.મી. વિસ્તાર તેમજ 55151 વસ્તી આવરી લેવામાં આવેલ છે. તેમ જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજાસિંહ ગોહીલે જણાવ્યું હતું. રાણાવાવ સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મેળવવા માટે નાગરીકો, સીટીઝન ફસ્ટએપનો ઉપયોગ કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમજ પેપરલેશ વર્ક માટે ઇ-ગુજકોપ અને સરલ એપ્લીકેશન ઉપયોગ કરવામાં આવે છે.  મુલાકાતીઓ માટે સ્વચ્છ પાણી તેમજ મહિલાઓ અને પુરૂષો માટે અલગ-અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવેલ છે.  અરજીઓ માટે ડ્રોપ બોકસ છે. 
પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે, તમામ કર્મચારીઓનું વોટસએપ ગ્રુપ બનાવવામાં આવેલ છે. પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટીગેશનનો સ્ટાફ સાઇન્ટીફીક એડ ટુ ઇન્વેસ્ટીગેશન થી વાકેફ છે અને તેનો મહત્તમ ઉપયોગ કરે છે.
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer