અમદાવાદ પોલીસે ભીખ માગતાં બાળકોને નાસ્તો

ફ્રૂટ આપી ભણાવવાનું શરૂ કર્યું

પ્રવૃત્ત પોલીસની પ્રવૃત્તિ જોઇ નિવૃત્તો પણ શિક્ષણ આપવા જોડાયા

ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 18: અમદાવાદમાં હવે ભીખ માંગી રહેલા બાળકોને પોલીસ ટ્રાફિકના ચાર રસ્તેથી ધુત્કારીને કાઢી નહિ મૂકે પણ ભણાવી ગણાવી આ ભિખારી બાળકો ને બાબુ બનાવશે. અમદાવાદ પોલીસ હવે પોતાની નોકરી પત્યા બાદ ભીખ માંગી રહેલા બાળકોને ભણાવવાની સાથે સાથે કોમ્પ્યુટર પણ શીખવે છે જેથી આ બાળકો સ્વમાનથી જીવી શકે. 
અમદાવાદના ત્રણ પોલીસ સ્ટેશનમાં શરુ થયેલા આ નવતર પ્રયોગનું નામ અપાયું છે ``એજ્યુકેશન ઓન રોડ'' જેમાં ટ્રાફિક પોલીસ રસ્તે ભીખ માંગતા બાળકોને પકડીને પહેલાની જેમ ભિક્ષુક ગૃહમાં નથી મોકલતા પણ એમને નજીકની પોલીસ ચોકીમાં લાવી ખવડાવી પીવડાવીને ભણાવે છે. પકવાન ચાર રસ્તા, કાંકરિયા અને દાણીલીમડા વિસ્તારમાં ભીખ માંગતા બાળકો ઘણા જોવા મળતા પહેલા એમને પકડીને ભિક્ષુક ગૃહમાં મોકલવામાં આવતા, જેમાંથી કેટલાય બાળકો ખરાબ સંગતમાં લાગી ગુનાહિત પ્રવૃત્તિમાં પણ જોડાઇ જતા.  પરંતુ પોલીસ દ્વારા કેટલાય બાળકોની સહાનુભૂતિથી પૂછપરછ કરી તો એમની મજબૂરીને કારણે આ કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓને પણ ભણીને મોટા સાહેબ થવું હતું આ બાળકોની વાત સાંભળીને તે સમયના ટ્રાફિક એ.સી.પી. દિપક વ્યાસે નવો અભિગમ અપનાવ્યો એમને સૌથી પહેલા ધમધમતા એસ,જી, હાઇવે પરની ટ્રાફિક પોલીસ ચોકીમાં ભીખ માંગતા દસ બાળકો સાથે ``એજ્યુકેશન ઓન રોડ'' નામથી પાઠશાળા શરુ કરી એમાં બાળકોને નાસ્તો આપવાની સાથે ભણાવવાનું શરુ કર્યું અને બાળકો ભણવા લાગ્યાં એમણે ત્યાર બાદ કાંકરિયા અને દાની લીમડા વિસ્તારમાં પોલીસ ચોકીમાં સ્કૂલ ચાલુ કરી. 
આ સ્કૂલમાં ફરજ પરના દરેક પોલીસ જવાનો એ નોકરી પત્યા પછી બાળકોને ભણાવવું એવું નક્કી કર્યું અને પોલીસના જવાનો આ ત્રણ જગ્યાએ પોતાની પોલીસની પાઠશાળા ચલાવે છે, આ જોઈને બીજા પોલીસ અધિકારીઓ પણ આમ જોડાયા અને બાળકોને શિક્ષણ મળવા લાગ્યું અને પોલીસ પોતાના ખર્ચે એમણે સવારે નાસ્તો આપતી હતી આ વાતની નિવૃત પોલીસ ઓફિસરોને ખબર પડતા એ પણ હવે એમના ફાજલ સમયમાં ભીખ માંગતા બાળકોને ભણાવવા આવે છે અને પોલીસ દ્વારા આ ત્રણ પાઠ શાળામાં બાળકોના નાસ્તા જમવા ઉપરાંત રોજ એક ફ્રૂટ આપવામાં આવે છે જેથી એ લોકો ભણવા આવે અને હવે ગૃહ પ્રધાનની મંજૂરી મળ્યા બાદ આ બાળકોને પોલીસ સ્ટેશનમાં જ્યારે કોમ્પ્યુટર ખાઈ હોય ત્યારે કોમ્પ્યુટરનું પણ શિક્ષણ આપવા માં આવી રહ્યું છે.
Published on: Mon, 19 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer