વરસાદે પોરો ખાતા મુંબઈમાં પાણી અને મચ્છરજન્ય બીમારીઓએ માથું ઊંચક્યું

મુંબઈ, તા.18 : વરસાદના વિરામ બાદ હવે મુંબઈમાં પાણી અને મચ્છરજન્ય બીમારીઓ માથું ઊંચકી રહી છે. મળતા આંકડા પ્રમાણે છેલ્લા 39 દિવસોમાં મુંબઈની વિવિધ હૉસ્પિટલોમાં ડેન્ગ્યુ જેવા તાવના 2165 કેસો નોંધાયા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વરસાદ બાદ પાણીનો ભરાવો અને મચ્છરોના ઉપદ્રવના કારણે બીમારીઓ ફેલાવાની શક્યતા વધી જાય છે. તેથી લોકોએ સતર્ક રહેવું જરૂરી છે.
ગયા વર્ષે શહેરમાં ડેન્ગ્યુના એક હજારથી વધુ કેસ નોંધાયા હતા અને પાણીજન્ય બીમારીઓના કારણે 14 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ડેન્ગ્યુનાં લક્ષણો જણાય કે તુરંત જ હૉસ્પિટલે પહોંચી જવું જોઇએ, જેથી સમયસર સારવાર થઇ શકે. પાલિકાના આંકડા પ્રમાણે 1થી 28 જુલાઇ દરમિયાન મુંબઈમાં ડેન્ગ્યુ જેવા તાવના 1700 કેસો જ્યારે 1થી 11 અૉગસ્ટ સુધીમાં વધુ 465 કેસો નોંધાયા હતા. મલેરિયા અને ડેન્ગ્યુના કેસો જોડવામાં આવે તો 39 દિવસમાં 2552 કેસો નોંધાયા હતા.
ડૉક્ટરોની સલાહ
  • ડેન્ગ્યુથી બચવા આસપાસમાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવો
  • ઘર કે આસપાસના પરિસરમાં પાણીનો ભરાવો ન થવા દેવો
  • વરસાદની મોસમમાં તાવ-શરદી સામાન્ય છે, દરેક કેસ ડેન્ગ્યુના ન હોય, ડરવું નહીં
  • શરીમાં પાણીની ઘટ લાગે, ભૂખ ન લાગે, ઊલટી થાય તો તપાસ કરાવવી
  • નાક અને મસૂડામાંથી રક્ત વહે તો તપાસ જરૂરી
  • પોતાની રીતે દવા ન લેવી, ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી 
Published on: Mon, 19 Aug 2019

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer