પશ્ચિમ મહારાષ્ટ્રના પૂરથી મુંબઈમાં તહેવારોમાં દૂધની અછત થશે !

પશ્ચિમ મહારાષ્ટ્રના પૂરથી મુંબઈમાં તહેવારોમાં દૂધની અછત થશે !
પશુઓનાં મૃત્યુ અને ઘાસચારો બરબાદ થતાં ડેરીઓમાં 30થી 35 ટકા દૂધનો જથ્થો ઘટયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં ખેડૂતોના દૂધાળાં પશુઓનાં મૃત્યુ અને ઘાસચારાનું પણ મોટા પાયે નુકસાન થતાં આગામી તહેવારોમાં મુંબઈમાં દૂધની અછત તોળાઈ રહી છે. પશ્ચિમ મહારાષ્ટ્રની મોટી ડેરીઓના જણાવ્યા પ્રમાણે દૂધની આવકમાં 20થી 35 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે પૂર્વવત્ થતાં બેથી ત્રણ મહિના લાગશે. જોકે, મહારાષ્ટ્ર સરકારે પડોસી રાજ્યો ગુજરાત અને કર્ણાટકની સરકારો સાથે દૂધનો વધુ પુરવઠો મોકલવા સંબંધી વાતચીત કરી છે. 
પશ્ચિમ મહારાષ્ટ્રમાં જ્યાં પૂરની પરિસ્થિતિ વિકટ હતી એ સાંગલી, કોલ્હાપુર અને સાતારા જિલ્લામાંથી મુંબઈ અને પુણેમાં દૂધનો મોટા ભાગનો પુરવઠો આવે છે. ડેરી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાંથી રોજનું અનુક્રમે 16 અને 12 લાખ લિટર દૂધ ખરીદવામાં આવે છે તેમાં 30થી 35 ટકાનો ઘટાડો મોટું ગાબડું કહેવાય. પૂરની પરિસ્થિતિમાં 540 દૂધાળાં પશુઓનાં મૃત્યુ થયાંનું નોંધાયું છે. 
પશુ કલ્યાણ અને ડેરી ડેવલપમેન્ટ વિભાગના પ્રધાન મહાદેવ જાનકરે જણાવ્યું હતું કે પૂરની પરિસ્થિતિના પગલે દૂધની અછત હકિકત છે, પરંતુ મુંબઈ અને પુણેમાં દૂધનો પુરવઠો યથાવત્ મળતો રહે એ માટે સરકાર પડોસી રાજ્યોની સરકારો સાથે વાતચીત કરી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં લિલા ઘાસની અછત સમજીને અમે 100 ટન કેટલ ફૂડ પણ મોકલાવ્યું છે. વિદર્ભ અને મરાઠવાડાની ડેરીઓને પણ દૂધની સપ્લાય માટે જણાવાયું છે. 
પશ્ચિમ મહારાષ્ટ્રની ગોકુલ ડેરી અને ચિતળે ઉદ્યોગ સમૂહ દૂધના મોટા સપ્લાયરો છે. તેમના જણાવ્યા પ્રમાણે 25થી 30 ટકા દૂધની અછત છે. રોજનું લગભગ એકથી દોઢ લાખ લિટર દૂધ ઓછું મળે છે. આ ઉપરાંત પૂર્વ સંસદસભ્ય રાજુ શેટ્ટીના સ્વાભિમાન સંગઠનને પણ દૂધનો પુરવઠો ઓછો મળી રહ્યો છે તેમ જ કૃષ્ણા બ્રાન્ડ દૂધ સાગર ડેરીને પણ 30થી 35 ટકા દૂધ ઓછું મળી રહ્યું હોવાનું આ ડેરીઓ તરફથી જણાવાયું હતું.  
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer