હવે જે વાત થશે તે માત્ર પીઓકેના મુદ્દે જ થશે રાજનાથ સિંહ

હવે જે વાત થશે તે માત્ર પીઓકેના મુદ્દે જ થશે રાજનાથ સિંહ
ગૃહપ્રધાનની પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી

નવી દિલ્હી, તા. 18 (પીટીઆઈ): જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું છે અને દુનિયાના દેશોના દરવાજા ખખડાવી રહ્યું છે તેમજ ધમકીઓ પણ આપી રહ્યું છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણીભર્યા સ્વરમાં કહ્યું છે કે હવે પાડોસી દેશ સાથે જે કંઈ વાત થશે તે માત્રને માત્ર પીઓકે (પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર) મુદ્દે જ થશે. હરિયાણામાં એક જનસભા સંબોધિત કરતા રાજનાથ સિંહે પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું હતું કે, એક સમયે બાલાકોટ એરસ્ટ્રાઈકને નકારનારા પાક. પીએમ પીઓકેમાં સ્વીકારી ચુક્યા છે કે ભારતે બાલાકોટમાં તબાહી મચાવી હતી. 
રાજનાથ સિંહે કહ્યું હતું કે, પુલવામામાં બહાદુર સૈનિકો સાથે જે થયું તેને લઈને વડાપ્રધાને ફેંસલો કરી લીધો હતો કે ઈંટનો જવાબ  પથ્થરથી આપવામાં આવશે. ત્યારબાદ સૌ કોઈએ જોયું કે એરફોર્સના જવાન બાલાકોટમાં જઈને આતંકવાદીઓનો સફાયો કરવામાં સફળ રહ્યા હતા. એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના પીએમ કહી રહ્યા હતા કે કંઈ થયું નથી. એક પણ વ્યક્તિ મર્યો નથી અને હવે પીઓકેમાં કહી રહ્યા છે કે ભારત બાલાકોટ એરસ્ટ્રાઈકથી પણ મોટી સ્ટ્રાઈક કરવા જઈ રહ્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે પાક. પીએમએ બાલાકોટમાં એરસ્ટ્રાઈકથી થયેલી તબાહી કબૂલી છે. 
પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા રક્ષામંત્રીએ ઉમેર્યું હતું કે, અનુચ્છેદ 370 દૂર કર્યા બાદ ભારતના એક પાડોસીની તબીયત લથડી રહી છે અને હવે દુનિયાના દેશોનો દરવાજો ખખડાવી રહ્યો છે કે અમને બચાવો. રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, સરકાર રહે કે ન રહે ભારત માતાનું મસ્તક નમવા દેશું નહી.  પાકિસ્તાનના લોકો કહી રહ્યા છે કે બન્ને દેશો વચ્ચે વાત થવી જોઈએ પણ શું વાત થવી જોઈએ ? ક્યો મુદ્દો છે અને કેમ વાત થવી જોઈએ ? પાકિસ્તાન સાથે ત્યારે જ વાત થશે જ્યારે તે પોતાની ધરતી ઉપરથી સંચાલિત આતંકવાદ ખતમ કરશે. આગળ પણ જે વાત થશે તે પીઓકે ઉપર જ થશે. રાજનાથ સિંહે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વાભિમાન મુદ્દે એનડીએ સરકારે સમજૂતિ નથી કરી. જે બાબતો ઘોષણાપત્રમાં સમાવવામાં આવી હતી તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. 
Published on: Mon, 19 Aug 2019

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer