ભારતમાં અફઘાની આતંકવાદી ઘૂસ્યા હોવાના અહેવાલે ગુજરાતમાં હાઇ ઍલર્ટ

ભારતમાં અફઘાની આતંકવાદી ઘૂસ્યા હોવાના અહેવાલે ગુજરાતમાં હાઇ ઍલર્ટ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 19 : ભારતની સીમાઓ પર જવાનોની ચાંપતી નજર છતા અફઘાની આતંકી દેશમાં ઘૂસ્યા હોવાની ગુપ્તચર વિભાગને મળેલી બાતમીના આધારે ગુજરાત સહિતના રાજ્યોમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
એટીએસના પોલીસ કમિશ્નર દ્વારા તમામ ઓસ.ઓ.જી. ઇન્ચાર્જને ઍલર્ટની સૂચના આપતા જાહેર કરાયું છે કે, ભારતીય ગુપ્તચર વિભાગ દ્વારા મળેલા ઇનપુટ મુજબ અૉગસ્ટ, 2019ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમોએ ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરેર એટેકને અંજામ આપવા માટે અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘુસણખોરી કરી છે
અફઘાનીસ્તાનમાં કુન્નર પ્રાંતનો રહેવાસી અને અફઘાની આતંકીઓના જૂથનો વડો ઝાકી નામનો  આતંકી  અૉગસ્ટની શરૂઆતમાં ભારતમાં પ્રવેશ્યો છે અને અફઘાની પાસપોર્ટ ધરાવતા આ ઇસમ પાસે પાકિસ્તાની ઓળખપત્ર પણ છે અને આ આતંકી  મોટા શહેરોમાં ભારે ભીડમાં આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં છે તેથી તમામ પોલીસ સ્ટેશનોએ ચાંપતો બંદોબસ્ત રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.
 આ આતંકી મુખ્યત્વે અન્ય આતંકી વારદાતોને અંજામ આપનારા આત્મઘાતીઓ અને આતંકવાદીઓને માર્ગદર્શન આપવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. 
પોલીસ કમિશ્નર દ્વારા જે તે શહેરોમાં રોકાયેલા તમામ અફઘાની નાગરિકોની માહિતી સી-ફોર્મમાં ભરી મોકલી આપવા તેમ જ અફઘાની નાગરિકોની વસતિ ધરાવતા વિસ્તારોમાં વેરીફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે. 
ઉલ્લેખનીય છે કે, કાશ્મીર મુદ્દે સરહદે તંગદિલી ઊભી થતા આતંકીઓભારતમાં વિનાશકારી પ્રવૃત્તિઓ કરવા ઘૂસ્યા હોય તેવું ભારતીય ગુપ્તચર વિભાગનું માનવું છે. ગુજરાત પણ આતંકીઓના નિશાન પર છે ત્યારે તહેવારોમાં આતંકી હુમલાની દહેશતને પગલે રાજસ્થાનને ગુજરાતને જોડતી સરહદ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાની અમીરગઢ અને રતનપુર સરહદો પર બુલેટપ્રૂફ જેકેટ સાથે પોલીસને તૈનાત કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મેટ્રોસિટીમાં સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે.
સોમનાથ, અંબાજી, દ્વારકા, ડાકોર, સહિતના યાત્રાધામોની સુરક્ષા વધારવામાં આવી છે.  દરિયાઇ સુરક્ષાને પણ સઘન કરવામાં આવી છે. નેવી અને કોસ્ટગાર્ડની મદદથી દરિયામાં પેટ્રોલિંગને સઘન બનાવવામાં આવ્યું છે.
હરામીનાળા ઉપરાંત કચ્છ સરહદે પણ બીએસએફના જવાનો પાકિસ્તાનની તમામ હરકત પર નજર રાખી રહ્યું છે. આમ કેન્દ્રીય  ગૃહ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ ગુજરાત પોલીસ ઍલર્ટ બની છે.

Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer