અતિવૃષ્ટિથી સાંગલી, સાતારા અને કોલ્હાપુરમાં ખરીફ પાકને ભારે નુકસાન

મુંબઈ, તા. 21 (એજન્સીસ) : છેલ્લા આઠ દિવસથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા સાંગલી, સાતારા અને કોલ્હાપુરમાં મુશળધાર વરસાદને લીધે શેરડી સહિત વિવિધ ખરીફ પાકને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. ફક્ત સાતારામાં જ અંદાજિત 40,000 હૅક્ટર ખેતરમાં પાક પાણી હેઠળ ડૂબી ગયો છે. 
આ પ્રાથમિક અંદાજ છે. મહેસૂલ વિભાગ સર્વે કરશે તે પછી ચોક્કસ આંકડા ખબર પડશે. આ ત્રણેય જિલ્લા કૃષિની દૃષ્ટિએ સમૃદ્ધ છે. આ જિલ્લાઓમાં સોયાબીન, મગફળી, જુવાર, ડાંગર અને શેરડીની ખેતી થાય છે. 
મહારાષ્ટ્ર કૃષિ ભાવ આયોગના ચેરમેન પાશા પટેલે કહ્યું કે, વાવેતર વિસ્તારો છેલ્લા એક અઠવાડિયાથી પણ વધુ સમયથી પાણીમાં ડૂબેલા હોવાથી પાકને નુકસાન થયું છે. આ વાવેતર વિસ્તારને બચાવવાનો કોઈ રસ્તો નહોતો. સૌથી વધુ અસર શેરડીના પાક ઉપર થઈ છે. 
મહેસૂલ વિભાગના અધિકારીએ કહ્યું કે, આ જિલ્લાઓની માટીની ગુણવત્તા સારી હોવાથી, વિવિધ સિંચાઈ યોજનાઓથી પૂરતું પાણી ઉપલબ્ધ થતું હોવાથી અને સારી રીતે ખેતી થતી હોવાથી કૃષિની દ્રષ્ટિએ સમૃદ્ધ માનવામાં આવે છે. પરંતુ પાંચમી અૉગસ્ટથી વરસાદે જોર પકડતાં કોયના, રાધાનગરી અને વારણાનાં જળાશયો સંપૂર્ણ ભરાયાં હતાં. છઠ્ઠી અૉગસ્ટે પણ વરસાદ વધુ હોવાથી આ જળાશયોમાંથી ખાસ્સી માત્રામાં પાણી છોડવું પડયું હતું. જો પાણીને પહેલાં છૂટું કરવામાં આવ્યું હોત તો નીચાણવાળાં ગામોને સુરક્ષિત રાખી શકાયાં હોત. 
જિલ્લા વહિવટી તંત્ર અને સિંચાઈ વિભાગે યોગ્ય પગલાં લેવાં જોઈતાં હતાં, કેન્દ્રથી સલાહકારોને પણ મોકલવામાં આવ્યા હતા. આ જળાશયોમાંથી પાણી અૉગસ્ટની શરૂઆતમાં જ છૂટું કરવામાં આવ્યું હોત તો પરિસ્થિતિ આટલી ખરાબ ન થઈ હોત. હવે પાક સંપૂર્ણ નાશ પામ્યો છે અને વાવેતર વિસ્તારમાં કચરો અને કાદવ જમા થયો છે, જે ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો છે. 
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આશ્વાસન આપ્યું છે કે પૂરગ્રસ્ત નાગરિકોનું સમયસર પુનર્વસન કરવામાં આવશે. રૂા.6800 કરોડનું રાહત પેકેજ આપવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યને દુકાળમુક્ત કરવા માટે કોંકણના વરસાદના પાણીને ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં લાવવામાં આવશે, જ્યારે વિદર્ભમાં ટનલ બાંધીને વૈનગંગા નદીનું પાણી વાળવામાં આવશે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer