ફેડની મિનટ્સ પૂર્વે સોનામાં વેચવાલીથી નરમાઇ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.21 : અમેરિકાની ફેડરલ રિઝર્વની પાછલી બેઠકની મિનિટસ જાહેર થવા પૂર્વે સોનામાં વેચવાલી નીકળતા નજીવો ઘટાડો હતો. ન્યૂ યોર્કમાં 1501 ડૉલર રનિંગ હતા. પાછલા ત્રણ દિવસથી વધઘટ અત્યંત સાંકડી છે. ફેડ મિનિટસ પરથી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદર વધુ ઘટશે કે કેમ તેનો અંદાજ આવી શકે એમ છે.
આનંદ રાઠી શૅર ઍન્ડ સ્ટોક બ્રોકર્સની નોંધ પ્રમાણે મિનિટસની જાહેરાત પૂર્વે ગભરાટ ફેલાયો છે. અમેરિકા વધુ વ્યાજકાપનો રસ્તો અપનાવે તો સોના માટે તે નકારાત્મક સાબિત થશે. જોકે, મંદી, ભૂરાજકીય ચિંતા અને ટ્રેડવોર જેવા કારણોને લીધે સોનાની બજારના ફંડામેન્ટલ મજબૂત દેખાય રહ્યા છે. ફેડે પાછલા મહિને દાયકા બાદ પ્રથમ વખત વ્યાજદર ઘટાડો કર્યો હતો એટલે હવે ઇંતેજારી વધી છે. 
ચાલુ સપ્તાહે જેક્સન હૉલમાં ફેડ ચૅરમૅન પોવેલનું નિવેદન પણ આવવાનું છે.
એક્ટિવ ટ્રેડઝના વિશ્લેષક કાર્લો અલ્બર્ટો કહે છે, સોનું 1500 ડૉલર આસપાસ અથડાઇ રહ્યું છે. મોટો ઘટાડો મુશ્કેલ છે. આવનારા દિવસોમાં 1475-1530 ડૉલરની રેન્જમાં અથડાઇ જશે. એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો વધીને મંગળવારે 845.17 ટન સુધી પહોંચી છે.
રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 150ના સુધારામાં રૂા. 37,350 હતો. મુંબઈમાં રૂા. 133 ઘટીને રૂા. 37,700 હતો. ચાંદી ન્યૂ યોર્કમાં 17.04 ડૉલર હતી. સ્થાનિકમાં એક કિલોનો ભાવ રૂા. 42,500ના મથાળે સ્થિર હતો. મુંબઈ ચાંદી રૂા. 110 વધતા રૂા. 43,805 હતી.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer