મંદીના માહોલ વચ્ચે શૅરબજારમાં વેચવાલીનું જોર

મંદીના માહોલ વચ્ચે શૅરબજારમાં વેચવાલીનું જોર
બૅન્કિંગ, મેટલ, રિયલ્ટી શૅર્સ તૂટયા, અૉટોમાં ખરીદી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : રાહત પૅકેજમાં વિલંબ, ઘટતી માગ અને અમેરિકા ચીન વચ્ચે નવેસરથી ટ્રેડ વોરની ચિંતાથી આજે ફાઇનાન્સિયલ અને મેટલ શૅર્સમાં ભારે વેચવાલી નીકળતાં શૅરબજારો તૂટયાં હતાં. વૈશ્વિક શૅરબજારોના મિશ્ર વલણ સામે સ્થાનિકમાં નવા ટ્રીગરના અભાવથી એનએસઈ નિફ્ટી 98 પોઇન્ટના ઘટાડે ટ્રેડ અંતે 10,918.70ના સ્તરે બંધ આવ્યો હતો. રિટેલ ટ્રેડરો અને ખરીદારોની સતત ઘટતી ઉપસ્થિતિથી પાતળા થતા જતા વોલ્યુમે બીએસઈ સેન્સેક્ષ 267 પોઇન્ટના ઘટાડા સાથે 37,060ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન 110 પોઇન્ટ ઘટયો હતો. સતત ખરીદી ઘટવાથી નિફ્ટીના અગ્રણી શૅરમાંથી 41 ઘટવા સામે 9 શૅરમાં સુધારો હતો. બીએસઈમાં ગ્રાહકોપયોગી સાધન અને બૅન્કિંગ શૅરોમાં ભારે વેચવાલી જોવાઈ હતી. નિફ્ટીમાં ક્ષેત્રવાર તમામ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. અમેરિકા-ચીનના વેપાર ઘર્ષણ અને ક્રૂડમાં મજબૂતીથી કેટલાક અૉટો ઔદ્યોગિક અને રિફાઇનરી શૅરમાં નવી વેચવાલી જોવાઈ હતી. જોકે, મારુતિ સુઝુકીમાં બે દિવસથી સટ્ટાકીય લેવાલીથી સુધારો નોંધાયો હતો.
આજે નિફ્ટીમાં જાહેર ક્ષેત્રનો બૅન્કિંગ ઇન્ડેક્સ સૌથી વધુ 3 ટકા, મેટલ 2 ટકા, રિયલ્ટી 2 ટકા, ખાનગી બૅન્ક 2.9 ટકા અને ફાર્મામાં 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તાતા મોટર્સમાં જંગી વેચાણથી ભાવ રૂા. 6 તૂટીને 109.50નું નવું તળિયું નોંધાયું છે જ્યારે તાતા સ્ટીલ નવી નીચી સપાટીએ બંધ હતો. બેએસઈમાં મિડકેપ ઇન્ડેક્સ 1.32 ટકા (177 પોઇન્ટ) અને સ્મોલકેપ 180 પોઇન્ટ ઘટયા હતા.
આજના ટ્રેડ દરમિયાન વ્યક્તિગત રીતે સતત બીજા દિવસે સીજી પાવરમાં 20 ટકાની નીચલી સર્કિટ હતી. કંપનીમાં નાણાકીય ગોટાળાનો અહેવાલ છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ વર્ષના તળિયે રૂા. 2302 ક્વોટ થયો હતો. ટ્રેડ અંતે 0.46 ટકા નીચે રૂા. 2384 બંધ હતો. દરમિયાન પાર્લે પ્રોડક્ટના સંચાલકોએ મંદી ચાલુ રહેવાની સ્થિતિમાં 10,000 કર્મચારીઓને છૂટા કરવાની ગર્ભિત ચેતવણી ઉચ્ચારી છે.
આજે ઘટતા બજારે સટ્ટાકીય રીતે સુધરનાર અગ્રણી શૅરમાં હીરો મોટર્સ રૂા. 45, બજાજ અૉટો રૂા. 22, મારુતિ 38, એચયુએલ રૂા. 6 વધ્યા હતા.
આજના ઘટાડામાં મુખ્ય શૅરોમાં ગ્રાસીમ રૂા. 30, અલ્ટ્રાટેક રૂા. 112, તાતા મોટર્સ રૂા. 6 (5 ટકા), મહિન્દ્રા રૂા. 7, એચડીએફસી રૂા.23, બીપીસીએલ રૂા. 14, ઇન્ડિયાબુલ્સ રૂા. 38, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 37, એસબીઆઈ રૂા. 6, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 5, એચસીએલ ટેક રૂા. 13, ડૉ. રેડ્ડી રૂા. 52, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રૂા. 5નો ઘટાડો થયો હતો.
વૈશ્વિક બજારો
નાણાકીય પ્રોત્સાહનના પૅકેજની આશાએ યુરોપનાં બજારો શરૂઆતમાં સુધરીને ખુલ્યા હતા. જોકે, એશિયાના બજારમાં મિશ્ર વલણ હતું. હૉંગકૉંગમાં હેંગસેંગ ઇન્ડેક્સમાં 38 પોઇન્ટનો નગણ્ય સુધાર હતો. જપાનમાં નિક્કી 59 પોઇન્ટ ઘટયો હતો. કોસ્પી 4 પોઇન્ટ અને શાંઘાઈ ઇન્ડેક્સ માત્ર 0.01 ટકાએ સ્થિર હતો.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer