મ્યુચ્યુઅલ ફંડ સપ્ટેમ્બરમાં વધુ રૂા.1500 કરોડ ગુમાવી શકે

મ્યુચ્યુઅલ ફંડ સપ્ટેમ્બરમાં વધુ રૂા.1500 કરોડ ગુમાવી શકે
ડીએચએફએલની આર્થિક કટોકટી
મુંબઈ, તા.21 : દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન (ડીએચએફએલ)ના ઋણ (ડેબ્ટ) સાધનોમાં કરેલા રોકાણને લીધે મ્યુચ્યુઅલ ફંડ ગૃહો આવતા મહિને રૂા.1500 કરોડથી પણ વધુની ખોટ કરે તેવી સંભાવના છે. 
ડીએચએફએલ અૉગસ્ટમાં પણ વ્યાજની ચૂકવણી કરવામાં ડિફોલ્ટ બની હતી. કંપનીની બૅન્કમાં સુપરત કરેલી દેવાના પુન:ગઠનની યોજના મંજૂર થાય નહીં ત્યાં સુધી તે ચુકવણી કરવામાં અસક્ષમ રહેશે, એમ કંપનીએ જણાવ્યું છે. ડીએચએફએલના ડેબ્ટ પેપર્સમાં 80 ટકા મ્યુચ્યુઅલ ફંડ્સે રૂા.1479 કરોડના રોકાણની સપ્ટેમ્બરમાં પુન:ચુકવણી કરવાની છે. આમાં કોટક મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ એમએફ, યુટીઆઈ એમએફ, રિલાયન્સ એમએફ, સુંદરમ એમએફ અને ઈનવેસ્કો એમએફનો સમાવેશ છે. 
રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે તેમનું રોકાણ પાછું ખેચ્યું છે. સુંદરમ મ્યુચ્યુઅલના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુનિલ સુબ્રમણ્યમમે કહ્યું કે, ડીએચએફએલ ડેબ્ટ પેપર્સ જે આવતા મહિને પાકી રહ્યા છે તેમાં મ્યુ.ફંડ ગૃહોનું રોકાણ રૂા.50 કરોડથી પણ વધુનું છે. બોર્ડ વિચારણા કરી રહી છે કે સાઈડ પોકેટિંગનો (ડૂબવાપાત્ર રોકાણને અલગથી તારવીને આગળ જતા રિકવરી કરવાનો) વિકલ્પ પસંદ કરી શકે છે. 
મંગળવારે ડીએચએફએલે કહ્યું કે, તે સિક્યોર્ડ એનસીડી અને પબ્લિક ઈસ્યૂ દ્વારા ઈસ્યૂ કરવામાં આવેલા એનસીડીનું રૂા.46.92 કરોડનું વ્યાજ ચૂકવવામાં ડિફોલ્ટ થઈ છે. આમાં વિવિધ સમયગાળાની કુલ રકમ રૂા.364 કરોડ અને મુખ્ય રકમ રૂા.1060 કરોડ છે. ઉપરાંત તેના કમર્શિયલ પેપરની રૂા.100 કરોડની ચૂકવણી પણ કરી શકી નથી. છેલ્લા અમુક સમયથી કંપની કમર્શિયલ પેપર્સ અને બોન્ડ્સની ઘણી ચુકવણી કરવામાં અસક્ષમ બની છે. અંદાજ છે કે ડીએચએફએલનું દેવું રૂા.90,000 કરોડથી પણ વધુનું છે.
આઈએલઍન્ડએફએસ ગ્રુપ, ઝી ગ્રુપ અને રિલાયન્સ કૅપિટલના ડિફોલ્ટ થયા પછી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સાવચેત બન્યા છે. મુશ્કેલીમાં મુકાયેલી કંપનીઓ કોર્પોરેટ્સ ડેબ્ટની ચુકવણી કરવા માટે તેમની અસ્ક્યામતોનું વેચાણ કરી રહી છે. 
દરમિયાન છેલ્લા ચાર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડના ક્રેડિટ રિસ્ક ફંડની જાવક રૂા.11,514 કરોડની થઈ છે. 
આમાં એસેટ્સ અંડર મૅનેજમેન્ટ (એયુએમ) જુલાઈમાં 13 ટકા ઘટીને રૂા.70,377 કરોડ હતી, જે એપ્રિલમાં રૂા.79,644 કરોડ હતી.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer