અમૂલે મુંબઈ અને પુણેમાં દૂધનો પુરવઠો વધાર્યો

પૂરની પરિસ્થિતિના પગલે શહેરોમાં દૂધની અછતને પહોંચી વળવા કમર કસી
મુંબઈ, તા.21 : પશ્ચિમ મહારાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિના પગલે 1000 જેટલાં દૂધાળાં પશુઓનાં મૃત્યુ થયાં અને ઘાસચારો ધોવાઇ જતાં મુંબઈ અને પુણેમાં દૂધની 30થી 35 ટકા અછતને પહોંચી વળવા અમૂલ બ્રૅન્ડની માલિક ગુજરાત કો-અૉપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ દૂધનો પુરવઠો વધાર્યો છે. 
ડેરી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાંથી રોજનું અનુક્રમે 16 અને 12 લાખ લિટર દૂધ ખરીદવામાં આવે છે તેમાં 30થી 35 ટકાનો ઘટાડો મોટું ગાબડું કહેવાય. પૂરની પરિસ્થિતિમાં આ બે જિલ્લામાં જ 540 દૂધાળાં પશુઓનાં મૃત્યુ થયાંનું નોંધાયું છે.  મુંબઈ અને પુણેમાં દૂધનો મોટા ભાગનો જથ્થો પૂરગ્રસ્ત પશ્ચિમ મહારાષ્ટ્રની ગોકુલ, વારણા અને કૃષ્ણા ડેરીઓ તેમ જ ચિત્તળે ઉદ્યોગ સમૂહ અને સ્વાભિમાની સંગઠન તરફથી આવે છે. 
મુંબઈમાં રોજનું 60 લાખ લિટર અને પુણેમાં રોજનું 25 લાખ લિટર દૂધનો જથ્થો આવે છે અને મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને કર્ણાટક સહિતનાં પડોશી રાજ્યોમાંથી પણ કેટલોક જથ્થો આવે છે. 
જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીના જણાવ્યા પ્રમાણે હાલમાં અમે મુંબઈ અને પુણેમાં મળીને બે લાખ લિટર દૂધ આપીએ છીએ પરંતુ પૂરની પરિસ્થિતિના કારણે આ બંને શહેરોમાં દૂધની અછતને પહોંચી વળવા અમે વધુ 50,000 લિટર દૂધનો પુરવઠો આપી રહ્યા છીએ. હજુ પણ જરૂર પડશે તો અમે વધુ જથ્થો મોકલવા તૈયાર છીએ. 
આ વધારાના દૂધની ખરીદી ક્યાંથી કરવામાં આવે છે એના જવાબમાં સોઢીએ કહ્યું હતું કે અમે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક પ્રાંતોમાંથી દૂધની ખરીદી કરીએ છીએ. વધારાનો જથ્થો પૂરો પાડવા છતાં અમે દૂધના ભાવ નથી વધાર્યા.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer