દસમા ધોરણના `ઈન્ટરનલ માર્ક્સ'' ફરી વિવાદમાં

મુંબઈ, તા. 21 : દસમા ધોરણના ભાષા અને સમાજશાસ્ત્ર વિષય માટે 20 માર્ક્સનું ઈન્ટરનલ મૂલ્યમાપન ફરીથી શરૂ કરીને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને રાહત આપી છે. જોકે, આ અંગેનો નિર્ણય જાહેર થઈને દસ દિવસ વીતી ગયા હોવા છતાં તેની અમલબજાવણી અંગે અભ્યાસ મંડળની બેઠકો અને વર્કશોપ રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ લેશે કે બાલભારતી લેશે એ વિશે વિવાદ ઊભો થયો છે.
ઈન્ટરનલ માર્ક્સ બંધ કરવાથી નાપાસ વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું હતું અને હોંશિયાર વિદ્યાર્થીઓના ગુણાંક પણ ઓછા થઈ જતાં સરકારની ટીકા થઈ હતી. ત્યારબાદ સરકારે એક સમિતિ દ્વારા ઈન્ટરનલ માર્કસ અંગે ફરીથી અંદાજ લીધો અને સમિતિની ભલામણ મુજબ નવમા-દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે 20 માર્ક્સનું ઈન્ટરનલ મૂલ્યમાપન ફરીથી શરૂ કરાયું. આથી ચાલુ શૈક્ષણિક વર્ષ 2019-20થી ભાષા અને સમાજશાસ્રના વિષયમાં લેખિત પરીક્ષા માટે 80 માર્ક અને અંતર્ગત મૂલ્યમાપન માટે 20 માર્ક આપવાનો નિર્ણય લીધો. આ માટેની જવાબદારી સ્ટેટ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડને આપવામાં આવી હતી. જોકે, ઓક્ટોબર 2017ના નિર્ણય મુજબ પહેલા તે બારમા ધોરણ સુધીના પાઠયપુસ્તકના નિર્માણની જવાબદારી `બાલભારતી'ને આપવામાં આવી છે. તેથી આ પહેલાં શિક્ષણ મંડળ પાસે રહેતાં અભ્યાસ મંડળો હવે નથી. આ સ્થિતિમાં ઈન્ટરનલ મૂલ્યમાપનની જવાબદારી `બાલભારતી'ના અભ્યાસ મંડળને બદલે શિક્ષણ મંડળને કેવી રીતે આપવામાં આવી એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. 

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer