અમદાવાદ-મુંબઈ વચ્ચે ખાનગી ટ્રેન `તેજસ'' સપ્ટેમ્બરથી દોડશે

મુંબઈ, તા. 21 : દેશની પહેલી ખાનગી ટ્રેન `તેજસ' અમદાવાદ - મુંબઈ અને નવી દિલ્હી - લખનઊ વચ્ચે દોડાવવા માટે રેલવેએ ઇન્ડિયન રેલવે કેટારિંગ ઍન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ને લીલીઝંડી આપી દીધી છે. આઈઆરસીટીસીને આ બંને પ્રીમિયમ ટ્રેન પ્રાયોગિક ધોરણે 3 વર્ષ સુધી ચલાવવા માટે આપવામાં આવશે. ત્રણ વર્ષ બાદ અધિકારીઓ તેની સમીક્ષા કરી જરૂર જણાશે તો કોન્ટ્રાક્ટ આગળ વધારશે. આ ટ્રેનનું ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે, જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તેમ જ ડ્યૂટી પાસને મંજૂરી આપવામાં નહીં આવે. એજ રીતે ટ્રેનમાં રેલવેના ટીટીઈ ટિકિટ ચાકિંગ પણ કરશે નહીં. 
ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગે ઉપડી બપોરે 1.10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે 
આ બંને ટ્રેનો સપ્તાહમાં 6 દિવસ દોડાવવામાં આવશે. અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસની માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગે ઉપડી બપોરે 1.10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે, જ્યારે મુંબઈ સેન્ટ્રલથી આ ટ્રેન બપોરે 3.40 વાગે ઉપડી રાતે 9.55 વાગે અમદાવાદ પહોંચશે, જ્યારે માર્ગમાં આ ટ્રેન વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે. 
દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ હોલેજ કોન્સેપ્ટ પર દોડાવવામાં આવશે. એક ટ્રેન કે કોચને એક સ્ટેશનેથી બીજા સ્ટેશન સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે તેને હોલેજ ખર્ચ કહેવામાં આવે છે. રેલવે જેને પણ ટ્રેન દોડાવવા માટે આપશે તેની પાસેથી હોલેજ ખર્ચ અને તેની ઉપર થોડોક નફો ગણી ચોક્કસ રૂપિયા લેશે, જ્યારે ટ્રેન ચલાવવામાં નફો કે નુકસાન થાય એ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer