પ્રિયંકાને ગુડવિલ એમ્બેસેડર પદેથી હટાવો : પાકની યુએનમાં માંગ

નવી દિલ્હી, તા. 21 : પાકિસ્તાનની માનવાધિકાર વિભાગના મંત્રી શિરીન એમ. મજારીએ સંયુક્ત રાષ્ટ્રમાં બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને ગુડવિલ એમ્બેસેડરના પદથી હટાવવાની માંગ કરી છે. આ સંબંધમાં લખવામાં આવેલા પત્રને તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
મજારીએ પોતાના પત્રમાં પહેલાં કાશ્મીરમાં કલમ-370 હટાવવા, મોદી સરકારની નીતિઓ અને ભારતીય સેના પર આરોપ લગાવ્યા હતા. આ પછી તેમણે લખ્યું હતું કે પ્રિયંકા ચોપરા ભારતીય સરકાર અને સેના દ્વારા ઉઠાવવામાં આવેલાં કદમોનું સમર્થન કરે છે એટલા માટે તેને હટાવવી જોઈએ.
પત્રમાં તેમણે જણાવ્યું હતું કે પ્રિયંકા ચોપરા ખુલ્લી રીતે  કાશ્મીરને લઈને ભારત સરકારની નીતિઓનું સમર્થન કરે છે અને તેમણે ભારતના સંરક્ષણ મંત્રી દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી પરમાણુ ધમકીનું પણ સમર્થન કર્યું હતું. આ બધું યુએન ગુડવિલ એમ્બેસેડરના શાંતિ અને દયા-ભાવના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
મજારીએ એમ પણ જણાવ્યું હતું કે જો પ્રિયંકા ચોપરાને તુરંત હટાવવામાં નહીં આવે તો શાંતિ માટે યુએનની ગુડવિલ એમ્બેસેડરનો વિચાર જ એક મજાક બનીને રહી જશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અભિનેત્રીનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં એક કાર્યક્રમ દરમ્યાન એક પાકિસ્તાની મહિલાએ તેના પર યુદ્ધને પ્રોત્સાહન દેવાનો આરોપ લગાવ્યો હતો.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer