દિલ્હીમાં 131 કરોડના ખર્ચે બન્યું ગરવી ગુજરાત ભવન, વડા પ્રધાન મોદી બીજી સપ્ટેમ્બરે કરશે લોકાર્પણ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.21 : પાટનગર દિલ્હી ખાતે અકબર રોડ ઉપર 131 કરોડના ખર્ચે નવનિર્મિત ગરવી ગુજરાત ભવનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બીજી સપ્ટેમ્બર, 2019ના રોજ લોકાર્પણ કરવામાં આવશે, તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.
નીતિન પટેલે ઉમેર્યુ હતું કે, દિલ્હી ખાતે દાયકાઓથી ગુજરાત ભવન કાર્યરત છે જ પરંતુ  વધતી જતી જરૂરિયાતો તથા નાગરિકોના ધસારાને પહોંચી વળવા માટે આ નવનિર્મિત ભવનનું નિર્માણ કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે 7066 ચોમી. જમીન ફાળવવામાં આવી હતી. આ અંગેની તમામ કિંમત રાજ્ય સરકારે ભરી દીધી હતી અને આજે આ ભવ્ય અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ રાજ્યસરકારની માલિકીનું નવીન ભવન બાંધવામાં આવ્યું છે. 
આ ભવનમાં 19 સ્યુટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટિ પર્પઝ હોલ, વિવિધ ચાર અન્ય લોન્જ, લાઇબ્રેરી, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, રેસ્ટોરાં, ડાઇનિંગ હોલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. 
નીતિન પટેલે કહ્યું કે, આ ઉદ્ઘાટન વેળાએ રાજ્યના સાંસ્કૃતિક ધરોહર સમાન કલા વારસાની ઝાંખી લોકોને થાય તે માટે વિજ્ઞાન ભવન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે  કેન્દ્ર સરકારના પ્રધાનો સહિત ગુજરાત સરકારના પ્રધાનમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.    

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer