ભારતીય મજદૂર સંઘે નીતિઆયોગની ટીકા કરી

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 21 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રેરિત ભારતીય મજદૂર સંઘ (બીએમએસ)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે રચેલા નીતિઆયોગની કાર્યપ્રણાલીની જોરદાર ટીકા કરી છે. બીએમએસએ એવો આરોપ કર્યો છે કે આ આયોગમાં રેડીમેડ બિનસરકારી સંસ્થાઓને સલાહકાર બનાવામાં આવ્યા છે. આમાંના મોટા ભાગના એનજીઓ વિદેશી એજન્સીઓ સાથે સંબંધિત છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક્સપર્ટને ભારતીય વાસ્તવિકતાઓની કોઈ જાણકારી કે અનુભવ નથી હોતા.
આવા નિષ્ણાતોને નીતિઆયોગના સભ્ય બનાવામાં આવે છે. બીએમએસે કહ્યું હતું કે નીતિઆયોગ રોજગારનું સર્જન કરવાને બદલે એને ખતમ કરી રહ્યું છે.
તાજેતરમાં ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્ય સમિતિની દિલ્હીમાં બેઠક ભરાઈ હતી, જેમાં વર્તમાન રાજનીતિ, આર્થિક અને સામાજિક તથા મજદૂર ક્ષેત્રને તાજી સ્થિતિ પર ચર્ચા કરાઈ હતી. સંસ્થાએ નીતિઆયોગની કાર્યપ્રણાલીની ટીકા કરીને તેની નવરચનાની માગણી કરી હતી. જેથી મુખ્ય સામાજિક સંગઠનો અને મજદૂર યુનિયન પ્રત્યેની સરકારની ઉદાસીનતાને દૂર કરી શકાય. બીએમએસએ આક્ષેપ કર્યો હતો કે નીતિઆયોગે જમીની સ્તરની વાસ્તવિકતા સાથે જોડાયેલા મજદૂર સંગઠનો અને હિતેચ્છુઓ સાથે વિચારવિમર્શ કરવાની ના પાડી છે.
બીએમએસના અધ્યક્ષ સાજી નારાયણન કહે છે કે ભારતે પશ્ચિમની રેટિંગ એજન્સીઓ ડબ્લ્યુટીઓ કે આઈએમએફ જેવી સંસ્થાઓને બદલે કેન્દ્રીય વિકાસ યોજના અંગે ગંભીરતાથી ચર્ચા શરૂ કરવી જોઈએ. મોદી સરકારની ખોટી આર્થિક અને શ્રમનીતિ વિરુદ્ધ અમારી બધા મજદૂરો અને શ્રમ સંગઠનોને અપીલ છે કે 25 સપ્ટેમ્બરથી બીજી અૉક્ટોબર 2019 સુધી એક જનજાગરણ અભિયાન શરૂ કરાશે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer