બાજવાને મુદત વધારો અપાતા પાકિસ્તાનમાં ફરી લશ્કરી શાસન વિશેની અટકળો

નવી દિલ્હી, તા. 21 : પાકિસ્તાન તખતાપલટ તરફ આગળ વધી રહ્યું છે, પાકમાં પાછું સેનાનું શાસન આવશે, તેવી અટકળો પ્રબળ બની છે. પાકિસ્તાનના વડાપ્રધાનની કચેરી દ્વારા સેના વડા જનરલ કમર બાજવાને મોકલાયેલી ચિઠ્ઠીમાં બાજવાને ત્રણ વર્ષ માટે સેનાનું સુકાન ફરી સોંપાયું છે. 
હવે એ મનાઈ રહ્યું છે કે, દેખાડવા માટે તો બેશક ઈમરાન ખાન પાકના વઝીર-એ-આઝમ છે, પરંતુ આ દેશનું સાચું સુકાન તો સેનાના હાથમાં છે. 
પાડોશી દેશના 72 વર્ષના ઈતિહાસમાં જ્યારે પાક પર સંકટ આવ્યું છે, ત્યારે સેનાએ લોકતંત્રને કચડીને દેશની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. 
ફિલ્ડ માર્શલ અયુબ ખાનથી માંડીને યાહયા ખાન સુધી અને જિયાઉલ હકથી માંડીને પરવેઝ મુશર્રફ સુધી કુલ્લ 35 વર્ષ સુધી પાક સૈન્ય પ્રમુખો રાજ કરી ચૂક્યા છે અને વધુ એક વાર પાકિસ્તાન એ જ રસ્તે છે. 
ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા પછી ચીનના જિંનપિંગને મળવાનું હોય કે ટ્રમ્પ સાથે મુલાકાત, દરેક મોટા પ્રસંગે જનરલ બાજવા જ પાકની કમાન સંભાળતા દેખાયા છે.  અત્યાર સુધી જે સમાચારો દબાયેલા અવાજે આવતા હતા, તે ઈમરાનના બાજવાને સેનાનું સુકાન ફરી સોંપવાના ફેંસલાથી જાહેર થઈ ગયા છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer