પીસીના બચાવમાં કોંગ્રેસ : રાહુલ અને પ્રિયંકાના મોદી સરકાર પર પ્રહાર

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 21 : આઈએનએક્સ મીડિયા કેસમાં જેમની ધરપકડ તોળાઈ રહી છે તે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના બચાવમાં કોંગ્રેસ સામે આવી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીસીનું સમર્થન કરતાં મોદી સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા હતા. રાહુલે આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર ઈડી, સીબીઆઈ અને કેટલાક મીડિયા જૂથો દ્વારા ચિદમ્બરમનું ચરિત્રહનન કરી રહ્યા છે. પ્રિયંકાએ જણાવ્યું કે કેન્દ્રની સચ્ચાઈ સામે લાવવાવાળા ચિદમ્બરમથી સરકાર અસહજ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી હાઈકોર્ટથી આગોતરા જામીન રદ થયા બાદ લાપતા છે. સુપ્રીમ કોર્ટ પાસેથી પણ તેમને હજુ સુધી કોઈ રાહત મળી નથી. ઈડી અને સીબીઆઈના અધિકારીઓ સતત તેમની શોધ કરી રહ્યા છે. ચિદમ્બરમને લઈને લૂકઆઉટ નોટિસ પણ જારી કરી દેવામાં આવી છે જેથી તેઓ હવે વિદેશ જઈ શકશે નહીં.
પીસી પર સીબીઆઈ અને ઈડીના આ પગલાંથી ખફા કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે. રાહુલે ટ્વિટર પર જણાવ્યું હતું કે મોદી સરકાર ઈડી, સીબીઆઈ અને મીડિયાના એક સમૂહનો ઉપયોગ ચિદમ્બરમના ચારિત્ર્યહનન માટે કરી રહી છે. હું સત્તાના આ દુરુપયોગની નિંદા કરું છું.
આ પહેલાં પ્રિયંકા ગાંધીએ પણ જણાવ્યું હતું કે પક્ષ ચિદમ્બરમની સાથે છે અને પરિણામોની પરવા કર્યા વિના સત્યની સાથે રહેશે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે ચિદમ્બરમ આ સરકારની અસફળતાઓ પર પ્રકાશ પાડતા રહેતા હોવાને કારણે કાયરો અસહજ સ્થિતિમાં મુકાયા છે. એટલે શરમજનક રીતે તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer